Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

મે મહિનામાં યોજાશે બોર્ડની પરીક્ષા

આગામી અઠવાડિયે જાહેર થશે તારીખ : સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે યોજાનારી બોર્ડની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો વધારવામાં આવશે

અમદાવાદ તા. ૬ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSHSEB) ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ આપવાની તૈયારી કરી લીધી છે. આવતા અઠવાડિયા સુધીમાં બોર્ડની પરીક્ષાની તારીખોની જાહેરાત થઈ જશે.

મે મહિનાની ૧૦મી અથવા ૧૭મી તારીખથી પરીક્ષાનો પ્રારંભ કરવાની વિચારણા બોર્ડ દ્વારા થઈ રહી છે. આ બંને વિકલ્પોમાંથી કોઈ એક પર પસંદગી ઉતારીને આવતા અઠવાડિયા સુધીમાં પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાશે, તેમ GSHSEBના એક અધિકારીએ જણાવ્યું.

આ વર્ષે ધોરણ ૧૦મી પરીક્ષામાં ૧૦.૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે છે. જયારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૩૦ લાખ અને વિજ્ઞાન પ્રવાહના ૧.૫૦ લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે તેવો અંદાજો છે. અગાઉ શિક્ષણ બોર્ડે અભ્યાસ ક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો અને તે મુજબ પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કર્યો હતો. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજવામાં આવે છે પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષે કોરોના મહામારીના કારણે પાછી ઠેલાઈ છે.

આ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે પરીક્ષા કેંદ્રોની સંખ્યા ૫,૫૦૦થી વધારીને ૬,૭૦૦ કરવામાં આવશે. પરિણામે પરીક્ષા ખંડોની સંખ્યા પણ ૬૦,૦૦૦થી વધીને ૭૫,૦૦૦ થશે. આશરે ૬૦ ટકા પરીક્ષા કેંદ્રો ગ્રામ્ય વિસ્તારોમાં છે.

પરીક્ષાની નવી પેટર્ન પ્રમાણે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ૫૦% ગુણભાર OMR (ઓપ્ટિકલ માર્ક રિડર) પ્રશ્નોનો અને ૫૦% ગુણભાર લાંબા સવાલોના જવાબનો રહેશે. જયારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે ઓબ્જેકિટવ પ્રશ્નોનો ગુણભાર ૩૦% થશે,જે અગાઉ ૨૦ ટકા હતો.

બોર્ડની પરીક્ષાને આડે હવે ચાર મહિના જેટલો સમય છે ત્યારે ધોરણ ૧૦ના વિદ્યાર્થિની શ્લેષા જોષીએ કહ્યું, 'આગામી બોર્ડની પરીક્ષાને લઈને થોડી નર્વસ છું કારણકે સ્કૂલો હજી શરૂ થઈ નથી. જો કે, હું મારા તરફથી પૂરતી તૈયારી કરી રહી છું અને ઓનલાઈન કલાસમાં પણ નિયમિત હાજર રહું છું. વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે તે માટે બોર્ડે તકેદારીના પૂરતાં પગલા લેવા જોઈએ. બોર્ડે ૩૦ ટકા અભ્યાસક્રમ ઘટાડીને સારો નિર્ણય કર્યો છે.'

ગુજરાત સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું, 'ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કલાસિસ ચાલી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ઘણા વિદ્યાર્થીઓને કનેકિટવિટીની સમસ્યાને કારણે ભણવામાં તકલીફ પડી રહી છે. ઓબ્જેકિટવ પ્રશ્નોના માર્ક વધારવા જોઈએ અને પરીક્ષાનો સમય ઘટાડવો જોઈએ. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈન્ટરનલ માર્ક ૨૦થી વધારીને ૩૦ કરવા જોઈએ.'

(11:41 am IST)