Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

૩૨૩ પાલિકા - પંચાયતોમાં ૮૪૦૨ સભ્યો ચૂંટવાનો અવસર : ૪.૪ કરોડ મતદારો

ગુજરાતમાં સૌથી વધુ ઉમેદવારોને સાંકળતા લોકશાહી પર્વનો ટકોરા : રાજકીય પક્ષોએ 'જથ્થાબંધ' ટીકીટો આપવી પડશે : અડધો લાખ જેટલા મતદાન મથકો : વધુ ૨૬ નગરપાલિકાઓની ચૂંટણી સાથે થાય તો આંકડાકીય ચિત્ર વધુ મોટું થશે

રાજકોટ તા. ૬ : ગુજરાતમાં આવતા મહિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. લોકસભા અને ધારાસભાની ચૂંટણી કરતા પાલિકા - પંચાયતોની ચૂંટણીમાં અનેકગણા વધુ ઉમેદવારો હોય છે. આ ચૂંટણીનો જનાદેશ ગુજરાતના રાજકારણની દિશા નક્કી કરશે. ફેબ્રુઆરીમાં હાલની ૫૫ ઉપરાંત વધુ ૨૬ નગરપાલિકાઓની મુદ્દત પૂરી થઇ રહી છે. તેની ચૂંટણી સાથે થશે તો તેના મતદાન મથકો, મતદારો અને બેઠકો હાલના આંકડામાં ઉમેરાશે. રાજ્યના આંગણે લોકશાહીના મોટા પર્વએ ટકોર માર્યા છે.

રાજ્ય ચૂંટણી પંચના તા. ૧૨ ઓકટોબર ૨૦૨૦ના જાહેરનામા મુજબ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી કરવા પાત્ર થાય છે. જેના કુલ ૧૪૪ વોર્ડમાં વોર્ડ દિઠ ચાર મુજબ ૫૭૬ સભ્યો ચૂંટવાના થાય છે તેના માટે ૧૧૫૮૧ જેટલા મતદાન મથકો રહેશે. ૫૫ નગરપાલિકાઓની ચૂંટણીમાં ૫૧૭ વોર્ડમાંથી વોર્ડ દીઠ ચાર મુજબ ૨૦૬૮ સભ્યો ચૂંટવાના થાય છે. ૬ કોર્પોરેશનો માટે ૧.૧૧ કરોડ અને ૫૫ નગરપાલિકાઓ માટે જાહેરનામા વખતની સ્થિતિએ ૪૨.૭૯ લાખ જેટલા મતદારો નોંધાયા છે. જિલ્લા અને તાલુકા પંચાયતના મતદારોએ એક સાથે બંને મત આપવાના હોય છે. જેના માટે ૨.૫૦ કરોડ મતદારો નોંધાયેલા છે. આમ શહેરી વિસ્તાર કરતા ગ્રામીણ વિસ્તારના મતદારોનું પ્રમાણ વધુ છે.

૩૧ જિલ્લા પંચાયતોમાં ૯૮૦ સભ્યો અને ૨૩૧ તાલુકા પંચાયતોમાં ૪૭૭૮ ઉમેદવારો ચૂંટવાના થાય છે. ઉપરોકત બધી સ્થાનિક સ્વરાજ્યની ૩૨૩ સંસ્થાઓમાં ૮૪૦૨ સભ્યો ચૂંટવાના થાય છે. જેના માટે ૪૭૪૦૦ મતદાન મથકો અને ૪.૦૪ કરોડ મતદારો છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા પછીનું છેલ્લું આંકડાકીય ચિત્ર હવે પછી જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, જનતાદળ, એન.સી.પી., આમ આદમી પાર્ટી, બસપા અને અન્ય પક્ષો અને અપક્ષો સહિત હજારો ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતરનાર છે.(૨૧.૧૨)

સંસ્થાઓ, બેઠકો અને મતદારો

રાજકોટ : ગુજરાતમાં આવતા મહિને યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું આંકડાકીય ચિત્ર નીચે મુજબ છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના મતદારે એક સાથે બે મત આપવાના હોય છે તેથી બન્નેના મતદારોની સંખ્યા સંયુકત ગણાય છે.

         સંસ્થા            બેઠકો      મતદારો

૦૬ મહાનગર પાલિકા     ૦૫૭૬     ૧.૧૧ કરોડ

૫૫ નગરપાલિકાઓ       ૨૦૬૮     ૪૨.૭૯ લાખ

૩૧ જિલ્લા પંચાયતો      ૦૯૮૦     ૨.૫૦ કરોડ

૨૩૧ તાલુકા પંચાયતો    ૪૭૭૮           --

(11:19 am IST)