Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને અમદાવાદ જીલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જેતલપુર ખાતે મહિલા કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ

રાજયમાં ૨૭૦ નારી અદાલતોની રચના કરવામાં આવી છે. -શ્રીમતી લીલાબેન અંકોલિયા:"મહિલાઓને લગતા ૪૦૦૦૦ ઉપરાંત કેસોમાં સુખદ સમાધાન

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ગુજરાત સરકાર દ્વારા મહિલા  સશક્તિકરણની સાથે મહિલાઓની સુરક્ષા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેની કામગીરીના ભાગરૂપે વર્ષ ૨૦૦૫ થી ગુજરાત રાજ્ય મહિલા આયોગની શરૂઆત કરવામાં આવી છે.જેના ભાગ રૂપે આજ રોજ ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને અમદાવાદ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા જેતલપુર ખાતે મહિલા  કાયદાકીય જાગૃતિ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું.
  આ પ્રસંગે મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતિ લીલાબેન અંકોલીયાએ જણાવ્યુ હતું કે " કાયદાકીય જાગૃતિ શિબીરથી મહિલાઓ બંધારણમાં આપેલા પોતાના હકોથી વાકેફ થઈ છે અને મહિલાઓમાં જાગૃતતા આવવાથી સરકારના વિવિધ મહિલાલક્ષી યોજનાઓનો લાભો મેળવતી થઈ છે. રાજયમાં મહિલાઓના અધિકારો અને હિતોના રક્ષણ માટે ૨૭૦ નારી અદાલતોની રચના કરવામાં આવી છે. આયોગ દ્વારા મહિલાઓને લગતા ૪૦૦૦૦ ઉપરાંત કેસોમાં સુખદ સમાધાન કરવામાં આવ્‍યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. મહિલાઓના હકકો અને અધિકારો માટે કાયદાકીય જોગવાઇઓ કરવામાં આવી છે. ત્‍યારે મહિલાઓએ કાયદાની જાણકારી મેળવી અન્‍યાય, અત્‍યાચારના કેસોમાં કાયદાનો સહારો કયારે અને કેમ લેવો જોઈએ તે વિશે માહિતી મેળવવી જોઈએ."
‘’સમાજ માટે મહિલાઓએ તેમનામાં રહેલી શકિતને બહાર લાવીને આગળ વધવાનું છે. રાજય સરકાર મહિલાઓના ઉત્થાન માટે અનેક પ્રયત્નો  કરે છે. રાજકીય, સામાજિક અને શૈક્ષણિક રીતે મહિલાઓ નેતૃત્વ સ્વીકારે એ આવશ્યક છે અને હવે મહિલાઓમાં પરિવર્તન આવ્યું છે. વિવિધ ક્ષેત્રે મહિલાઓ નામનાઓ મેળવી રહી છે. મહિલાઓના ઉત્થાન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવી છે, તેનો સૌએ લાભ લેવો જોઇએ એમ જણાવી, મહિલાઓ સામેના અત્યાચાર, અન્યાય અને ભેદભાવ રોકવા રાજય મહિલા આયોગ કાર્યરત છે"
લીલાબેન અંકોલીયાએ સરકારની યોજના છેવાડાના ગ્રામ્ય સ્તર સુધી પહોંચે એવા  સુદઢ સમાજના નિર્માણમાં મહિલાઓને યોગદાન આપવા આહવાન કર્યું હતું.
  કલેકટર સંદિપ સાગલેએ જણાવ્યું કે " વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં " બેટી બચાવો બેટી પઢાઓ" અભિયાન શરૂ કર્યું છે જેનો હેતુ છે કે બાળ જન્મદરમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ સમાંતરદરે જળવાઈ રહે.પરંતુ સામાજિક જીવનમાં આજે પણ મહિલાઓનુ જન્મથી મૃત્યુ સુધી  સતત શોષણ થાય છે.તેમા બદલાવ આવવો સમયની માંગ છે"
  પ્રાસંગિક ઉદબોધનમા જીલ્લા વિકાસ અધિકારીશ્રી એ કહ્યું કે " સમાજ,રાજય અને દેશમાં નારીશક્તિનું આગવું મહત્ત્વ છે.રાજય અને કેન્દ્ર સરકાર નારી સંરક્ષણ અને ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે.મહિલાઓએ તેમને મળતા બંધારણીય લાભ અને વિવિધ વિભાગોની યોજનાઓ નો જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી શકે એ માટે મહિલા આયોગ દ્રારા આવી શિબિરનું આયોજન કરવામાં આવે છે."
મહિલા આયોગના સભ્ય સચિવ અને અધિક કલેકટર શ્રીમતી વીણાબેન પટેલે આયોગની કામગીરી વિશે વિગતવાર માહિતી આપી હતી.
 આ પ્રસંગે દશક્રોઇના ધારાસભ્ય બાબુભાઇ પટેલ, સંકલિત બાળવિકાસ યોજના પ્રોગ્રામ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડ, જેતલપુર સરપંચ અને અધિકારીઓ અને તાલુકાની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. (માહિતી- મનીષા પ્રધાન)

(8:42 pm IST)