Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

સુરતના નવસારી બજારમાં ગ્રાહકના સ્વાંગમાં સક્રિય થયેલ ટોળકીએ પાંચ મહિલાના મોબાઈલ ફોનની તફડંચી કરી

સુરત: શહેરની નવસારી બજાર ગોપી તળાવ પાછળ ભરાતા રવિવારી બજારમાં ગ્રાહકના સ્વાંગમાં સક્રિય થયેલી પીક પોકેટર ટોળકી એક-બે નહીં પરંતુ પાંચ જણાના કુલ રૃ.62 હજારની કિંમતના મોબાઇલ ફોન તફડાવી ભાગી ગઇ હતી.

મજુરા ગેટ સ્થિત પ્રોબીટાસ ઇન્સ્યોરન્સ બ્રોકર પ્રા. લિ. કંપનીમાં નોકરી કરતી આશિતા રૃષિ પટેલ (રહે. દુધારા શેરી, બેગમપુરા, મહિધરપુરા) રવિવારે સવારે નવસારી બજાર ગોપી તળાવની પાછળ ભરાતી રવિવારી બજારમાં ખરીદી કરવા ગઇ હતી. તે દરમ્યાન ખરીદી કરવામાં મશગુલ આશીતાના પર્સમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવનાર ચોર ટોળકીએ ઓપ્પો કંપનીનો રૃ.22 હજારનો મોબાઇલ ફોન તફડાવી લીધો હતો. આ અંગેની ફરિયાદ કરવા માટે આશિતા સલાબતપુરા પોલીસ મથકમાં ગઇ હતી. જ્યાં આશીતા ઉપરાંત રવિવારી બજારમાં ખરીદી કરવામાં મશગુલ જુલીબેન પ્રણવ શાહ (રહે. તુલસીવન ફલેટ્સ, એલ.પી. સવાણી રોડ, અડાજણ)નો એપલ કંપનીનો ફોન, પ્રિયંકા કપિલદેન મુકાતીવાલા (રહે. સંગીતાપાર્ક સોસાયટી, બેજનવાલા કોમ્પ્લેક્ષ, રાંદેર), શીતલબેન પરેશ રાઠોડ (રહે. રામબાગ સોસાયટી, વરાછા એ.કે. રોડ) અને દેવ્યાની મેહુલ જાદવ (રહે. વાસુદેવ ભક્તિધર્મ ટાઉનશીપ, કેનાલ રોડ, પાલનપુર)નો પણ મોબાઇલ ફોન ચોરી થઇ ગયો હોવાથી ફરિયાદ નોંધાવવા પોલીસ મથકમાં હાજર હતા. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(5:35 pm IST)