Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાન્યુ. સુધીમાં જાહેર થઈ શકે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી ગયા : ૬ મહાનગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૫૫ નગરપાલિકા માટેની ચૂંટણીઓ યોજાશે

ગાંધીનગર,તા.૫ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી ગયા છે. રાજ્ય ચૂંટણી પંચ ૬ મહાનગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૫૫ નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત જાન્યુઆરી માસના અંત સુધીમાં કરે તેવી શક્યતાઓ લાગી રહી છે. કોંગ્રેસ અને ભાજપ એમ બન્ને પક્ષોએ ચૂંટણીઓ માટેની કવાયત તેજ કરી છે. રાજયમાં પેટાચૂંટણી બાદ ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. રાજ્યમાં આગામી દિવસોમાં ૬ મહાનગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૫૫ નગરપાલિકા માટેની ચૂંટણીઓ યોજાશે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ સ્થાનિક કક્ષાએ તૈયારીઓ માટે સૂચના આપી દીધી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે વાત કરતા રાજકીય વિશ્લેષક સતીશ મોરીએ જણાવ્યું હતું કે ખાસ કરીને વર્ષે ૨૦૧૫માં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અને ત્યારબાદ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રાજ્યમાં ચાલી રહેલા જુદા જુદા આંદોલનોની અસર થઈ હતી. આ વર્ષે ૨૦૨૧ની ચૂંટણીમાં ભાજપને આરોગ્ય અને સ્થાનિક પ્રશ્નોના જુદા જુદા મુદ્દાઓનો સામનો કરવો પડે તેમ લાગી રહ્યું છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ૬ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ થવાની છે. આ ૬ મહાનગરપાલિકાની મુદત આગામી ૧૩ ડિસેમ્બર સુધી પૂર્ણ થવાની છે. ભાજપ દ્વારા ૬ મહાનગરપાલિકા માટે કામગીરી કરાઈ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં વર્તમાન જનપ્રતિનિધિઓ પાસેથી ૫ વર્ષ ની કામગીરીનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

નવા સીમાંકન બાદ જાતિગત સમીકરણ આધારે વોર્ડની પરિસ્થિતિ પર વોર્ડ પ્રમુખો પાસે પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આગામી સપ્તાહથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ઉપર પણ બેઠકોના દોરનો પ્રારંભ થઈ જશે. આમ પણ શહેરી મતદાર હંમેશા ભાજપ સાથે રહ્યો છે. પરંતુ વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં કોંગ્રેસનો જનાધાર વધ્યો હતો. ત્યારે આ શહેરોમાં ચોકસ રણનીતિ સાથે ભાજપ મેદાનમાં ઉતરે તેવું લાગી રહ્યું છે. રાજ્ય ચૂંટણી કમિશનરે પણ ૬ મહાનગરપાલિકાના કલેકટરને પત્ર લખી વર્તમાન પરિસ્થિતિ અંગે ચિતાર માગ્યો છે. ત્યારે એમ લાગી રહ્યું છે કે ચૂંટણી કમિશનર દ્વારા જાન્યુઆરીના અંત સુધીમાં નોટિફિકેશન જાહેર થાય એવી શક્યતા છે.

(8:51 pm IST)