Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

અમદાવાદમાં કસાઇઓ બેખોફ : રાત્રી કર્ફ્યુ છતાં ગાયો ઉઠાવી ગયા !

વાયરલ વિડીઓમાં એક યુવકે લખ્યું કસાઈઓના આ ગેરકાયદેસર કૃત્ય સામે ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરશે?

અમદાવાદ : શહેરીજનો પર માસ્ક ન પહેરવા બદલ અને કરફ્યૂ ભંગ બદલ કાયદેસર કાર્યવાહી થાય તે સ્થિતિમાં કરફ્યૂ સમયે કસાઈઓ ગાયો ઉઠાવવામાં સફળ થાય તો શું સમજવું? આવી જ એક ઘટના ખોખરાના ભાઈપુરા ધીરજ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં મધરાત્રે 2 વાગ્યે સિલ્વર કલરની સ્કોર્પિયો કારમાં આવેલા કસાઈઓ કરફ્યૂ સમયે ગાયો ઉઠાવી જવામાં સફળ થયા હતાં. વિસ્તારના એક યુવકે બુમાબુમ કરતા આરોપીઓ એક ગાય લઈને ભાગ્યા હતા.એક યુવકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી લખ્યું છે કે, કસાઈઓના આ ગેરકાયદેસર કૃત્ય સામે ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરશે?

ખોખરાના ભાઈપુરા ધીરજ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી સિલ્વર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સો મધરાત્રે ગાયો ઉઠાવી રહ્યા હતા. તે સમયે એક યુવક ઘટનાનો વિડીયો ઉતારી કસાઈઓને બૂમ પાડી રહ્યો છે. તે ગાયો છોડી દેવા જણાવી રહ્યો છે. આ દરમિયાન કસાઈઓ કાર લઈને ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો કેમેરામાં યુવક દ્વારા ઉતારવામાં આવે છે.

સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનાર નિલેશ પ્રજાપતીએ આ અંગે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોએ વિડીયો ઉતાર્યો છે. પોલીસ અને લોકો સુધી આ મેસેજ પહોંચાડવા માટે તે વાયરલ કર્યો છે. કસાઈઓએ યુવકે બુમાબુમ કરતા એક વાછરડું મૂકી દીધું પણ ગાય લઈ ગયા હતા. આ બાબતે સ્થાનિકો સાંજે પોલીસને રજુઆત કરવા જવાના છે

ખોખરા પીઆઈ વાય.એસ.ગામીતે જણાવ્યું હતું કે, મને આપના થકી ગાયો કસાઈઓ લઈ ગયાનું જાણવા મળ્યું છે. ગાયો કસાઈઓ ઉઠાવી ગયાની ફરિયાદ કે રજુઆત લઈને કોઈ વ્યક્તિ અમારી પાસે આવી નથી. વિડીયો જોયા બાદ ખબર પડે કે, ઘટના ક્યારે બની અને ક્યાં બની? આવું કોઈ ગેરકાયદેસર કૃત્ય થયું હશે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.

(8:41 pm IST)