Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ભારતીય નાગરિકતા અંગેનો પુરાવો મંગાયોઃ ગાંધીનગર લો કોલેજની છાત્રાએ આરટીઆઇ હેઠળ માહિતી માંગતા અરજીમાં જવાબ મળ્‍યો

અમદાવાદઃ ગાંધીનગરની લૉ કોલેજમાં કાયદાનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ તેના ઇન્ટર્નલ માર્ક અને એસેસમેન્ટ થયેલા સંપૂર્ણ પેપર્સની નકલ મેળવવા માટે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ કરેલી અરજીનો જે જવાબ મળ્યો તે તેના માટે આંચકાજનક હતો. તેની અરજીના જવાબમાં તેને સામે કહેવાયું હતું કે ભારતીય નાગરિકતા અંગેનો પુરાવો આપો.

ગુજરાત યુનિવર્સિટી કાર્યાલય દ્વારા આપવામાં આવેલા RTIના જવાબમાં અરજદારને નાગરિકતા અંગેનો પુરાવો આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. ત્રીજી ડિસેમ્બરનો RTI જવાબ જે અરજદારને આગલા દિવસે મળ્યો છે તેમાં જણાવવામાં આવ્યું હતું કે અરજદાર દ્વારા નાગરિકતાનો પુરાવો આપ્યા બાદ RTI હેઠળ માંગેલી માહિતી આપવાની પ્રક્રિયા ધ્યાન પર લેવામાં આવશે. RTIના જવાબમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે કલમ -6 મુજબ ભારતીય નાગરિકોને RTI હેઠળ માહિતી માંગવાનો અધિકાર છે.

ગુજરાત યુનિવર્સિટીના 68માં કોન્વોકેશનમાં રાજ્યપાલ અને શિક્ષણ પ્રધાનના હસ્તે ચાર ગોલ્ડ મેડલ મેળવનાર કાયદાની વિધાર્થિનીએ ગુજરાત એક્સ્લુઝિવ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી તરફથી RTIમાં જે જવાબ આપવામાં આવ્યો છે, તેનાથી હું ખૂબ જ નિરાશ થઈ છું.

આ મુદ્દે લૉ સ્ટુડન્ટએ વધુમાં જણાવ્યું કે હવે આ અંગે માનનીય રાજ્યપાલ અને શિક્ષણ પ્રધાનને લેખિત રજૂઆત કરીશ. એટલું જ નહિ આ RTIના જવાબને નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પડકારીશ.

અમદાવાદ સ્થિત RTI હેલ્પલાઈન વોલેન્ટિયર પંક્તિ જોગે જણાવ્યું હતું કે જાહેર માહિતી અધિકારીએ જવાબમાં અરજદારની નાગરિકતા અંગે શંકાના કારણો લેખિતમાં રજૂ કરવા પડે. નાગરિકતા અંગેની શંકાના કારણો રજૂ કરીને જ જાહેર માહિતી અધિકારી અરજદાર પાસેથી નાગરિકતા અંગેનો ડેકલેરેશન માંગી શકે.

ઘણીવાર માહિતી માહિતી આપવામાં વિલંબ કરવા માટે પણ આ પ્રકારના જવાબ આપવામાં આવે છે. RTI અરજદાર જવાબ મળ્યાના 48 કલાક સુધીમાં જાહેર માહિતી અધિકારીને લેખિત રજૂઆત કરી નાગરિકતા અંગે શંકાના કારણોની માંગ કરી શકે છે.

કાયદાની વિદ્યાર્થિનીએ વધુમાં જણાવ્યું હતું કે કોલેજ તરફથી ગુજરાત યુનિવર્સિટીને મોકલવામાં આવતા ઇન્ટરનલ માર્કસ મુદ્દે લૉ કોલેજે યોગ્ય જવાબ ન આપતા ગુજરાત યુનિવર્સિટી અને પોતાની કોલેજમાં RTI દાખલ કરી હતી.

લૉ સ્ટુડન્ટએ 19મી ઓકટોબરના રોજ RTI થકી તેની કોલેજ દ્વારા ગુજરાત યુનિવર્સિટીને મોકલવામાં આવતી ઇન્ટરનલ માર્કશીટ અને એસેમેન્ટ થયેલા સંપૂર્ણ પેપર્સની નકલ મેળવવા માટે અરજી કરી હતી. આ RTIનો જવાબ અરજદારને 4 ડિસેમ્બરના રોજ મળ્યો હતો. RTI અરજદાર કાયદાની વિધાર્થિની ગાંધીનગર ખાતે આવેલી સિદ્ધાર્થ લૉ કોલેજમાં સેમેસ્ટર 6માં અભ્યાસ કરે છે.

(4:46 pm IST)