Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

સિમેન્‍ટ-ક્રોંક્રીટથી બનેલા મકાનો વચ્‍ચે સુરતના ગવિયર ગામે હજારો કિલોમીટરની સફર ખેડીને આવતા દેશ-વિદેશના પક્ષીઓ

સુરત: સિમેન્ટ-કોક્રિંટથી બનેલા મકાનો વચ્ચે સુરતમાં ગવિયર ગામ ખાતે એકમાત્ર એવું તળાવ છે જ્યાં દેશ વિદેશના પક્ષીઓ હજારો કિલોમીટરની લાંબી મુસાફરી કરીને પ્રજનન માટે આવે છે. 1500 થી વધુ નેટિવ વૃક્ષોના બનેલા જંગલના તળાવમાં શિયાળામાં 130 થી વધુ જાતના પક્ષીઓ આવે છે. જેમાં 50 થી વધુ જાતના 1200 જેટલા માઈગ્રન્ટ્સ પક્ષીઓ ઉત્તર અમેરિકા, યુરોપ અને સેન્ટ્રલ એશિયાથી અહીં આવ્યા છે.

સુરતના તાપી કિનારા સહિત શહેરના અન્ય વિસ્તારમાં શિયાળાની શરૂઆત સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન થઈ જાય છે. ત્યારે સુરતના ગવિયર ગામ ખાતે એકમાત્ર એવું તળાવ છે, જ્યાં દેશ વિદેશના પક્ષીઓ પ્રજનન માટે આવે છે. શિયાળો શરૂ થતા આ પક્ષીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને માર્ચ મહિનો શરૂ થાય એટલે સુરતમાંથી વિદાય પણ લઈ લેતા હોય છે. ઘણા વર્ષો પહેલા ગવિયરના આ તળાવ ખાતે પક્ષીઓનું મારણ કરવામાં આવતું હતું. જેથી વર્ષ ૨૦૦૩માં પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા સુરત નેચર ક્લબ દ્વારા સુરત મહાનગરપાલિકા પાસેથી તેને દત્તક લેવામાં આવ્યું અને નિર્મલા વેટલેન્ડ કન્ઝર્વેશન પ્રોજેકટ અંતર્ગત ત્યાં વાઈલ્ડલાઈફ જળવાઈ રહે તે માટે 1500 થી વધુ નેટિવ વૃક્ષો વિકસાવવામાં આવ્યા અને તળાવનું સંવર્ધન જેથી જંગલ જેવું વાતાવરણ મળવાને કારણે હાલ અહીં શિયાળામાં 130 થી વધુ જાતના પક્ષીઓ આવે છે. જેમાં ૫૦ થી વધુ જાતના માઈગ્રેટરી પક્ષીઓ છે. હાલ અંદાજે 1200 જેટલા માઈગ્રેટરી પક્ષીઓ ગવિયર તળાવે આવ્યા છે. 

અહીં સાઇબિરિયન ક્રેઈન્સ, રફ્ફ, બ્લેક વિંગ્ડ સ્ટિલ્ટ, બ્લુ થ્રોટ, બ્રાહ્મિણી ડક, એસ્પ્રે, હેરિયરની, ઈગલ, કુટ, વિદેશી બતક, લાર્ક, વિજયન (પિયાસણ), શોવલર (ગયણો), પિનટેઈલ (સિંગપર), ગાર્ગેની (ચેતવા), કોટન ટીલ (ગિરજા), કોમન ટીલ (નાની મુરઘાબી), કોમન પોચાર્ડ (રાખોડી કારચીયા), વિજેલ, ગઢવાલ, વાય ટાઈ પોચા જેવી અનેક પ્રજાતિના પક્ષીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. સુરતમાં યુરોપ, કઝાકિસ્તાન, નોર્ધન અમેરિકા, સેન્ટ્રલ એશિયાના દેશોના પક્ષીઓ મહેમાન બને છે. ઘણા પક્ષીઓ હજારો કિલોમીટરનો દરિયો પાર બનીને નિયત જગ્યા પર પહોંચી જાય છે. અહીં 70થી 80 જાતના પતંગિયા અને રેપટાઈલ પણ છે. પક્ષીઓને જોવા માટે યુવાવર્ગ પણ ઉમટે છે. કારણકે વાઈલ્ડલાઈફ સાથે સંકળાયેલી અનેક બાબતોનું જ્ઞાન અહીં આપવામાં આવે છે.

પ્રોજેક્ટના હેડ કૃણાલ ત્રિવેદીએ કહ્યું કે, સુરત નેચર કલબે અહીં એવું હબ તૈયાર કર્યું છે. જેમાં કુદરતી જંગલોનો અનુભવ થાય. અહીં અત્યારે વૃક્ષો ૨૦ ફૂટના છે. તેનો કુદરતી રીતે ઉપયોગ પણ છે. માઈગ્રેટરી બર્ડ એ ગવિયર લેકની ખાસિયત છે. અહીં તેમના સંવર્ધન માટે અમે સેફ એન્વાયર્નમેન્ટ આપ્યું છે અને ફેન્સીંગ પણ કર્યું છે. તેમજ તેઓનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે. રવિવારે લોકો માટે ખુલ્લું રાખવામાં આવે છે, જેથી સિટી વચ્ચે લોકો કુદરતની મજા માણી શકે. શરૂઆતમાં અહી વધારે પક્ષીઓ આવતા ન હતા. પરંતુ પ્રોટેક્શન બાદ આ સંખ્યામાં વધારો થયો છે. એટલું જ નહીં ગુજરાતની લુપ્ત ગણાતી જળ બિલાડી પણ વર્ષ ૨૦૧૫માં અહીં જોવા મળી હતી જેની પર પણ અહીં રિસર્ચ શરૂ છે.

(4:43 pm IST)