Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

વારાણસી અને મુંબઇથી કેવડીયાની ટ્રેન થશે ચાલુ

હવે ટ્રેન દ્વારા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઇ શકશે દેશભરના સહેલાણીઓ : આવતા વર્ષથી દોડશે ટ્રેનો

ગાંધીનગર, તા.પ : દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યારે પર્યંટકોના આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. ગુજરાતના કેવડીયા ખાતેના આ સ્થળે ગુજરાતના જ નહીં પણ દેશભરના સહેલાણીઓ આવે છે. પર્યંટકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવામાં સરળતા રહે તેના માટે અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રંટથી કેવડીયા સુધીનું સી પ્લેન શરૂ કરવામાં આવ્યું છે.

હવે રેલમંત્રાલયે અહીંયા ટ્રેન દોડાવવાની પણ જાહેરાત કરી છે. આના માટે વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી કેવડીયા સુધી ટ્રેનની જાહેરાત કરી છે. આ ઉપરાંત મુંબઇ અને રીવાથી પણ કેવડીયા સુધીની ટ્રેનો દોડશે. તો વડોદરાના પ્રતાપનગરથી કેવડીયા સુધીની મેમુ પણ દરરોજ ચલાવવાની રેલ્વે બોર્ડ મંજુરી આપી છે. આવતા વર્ષથી આ ટ્રેનો ચાલુ થઇ શકે છે. આગામી સમયમાં અમદાવાદથી પણ કેવડીયાની ટ્રેનોમાં વધારો થઇ શકે છે.

એક રેલ અધિકારીએ જણાવ્યું કે હાલમાં વડોદરાથી કેવડીયા રેલ્વે લાઇન બીછાવાઇ રહી છે જેનું કામ ડીસેમ્બર સુધીમાં પુરૂ થવાની શકયતા છે ત્યાર પછી પર્યટકો વડોદરાથી સીધા જ કેવડીયા સ્ટેશને પહોંચીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જઇ શકશે. હાલમાં જે ટ્રેનો વડોદરા આવે છે તેમને કેવડીયા સુધી લંબાવવાની રેલ્વે બોર્ડે મંજૂરી આપી છે તેમાં વડોદરાની એકસપ્રેસ ટ્રેનો હવે કેવડીયા સુધી દોડાવવામાં આવશે. પ્રતાપનગરથી રોજ સવારે અને સાંજે એમ બે મેમુ ટ્રેનો પણ ચલાવાશે.

એક રેલ્વે અધિકારીએ જણાવ્યું કે વડોદરા પહોંચ્યા પછી આ ટ્રેનો મોટાભાગનો સમય યાર્ડ પડી રહે છે એટલે આ ટ્રેનોને હવે કેવડીયા સુધી ચલાવવામાં આવશે.

કેવડીયા બનશે દેશનું પહેલુ ગ્રીન બિલ્ડીંગ સ્ટેશન

કેવડીયા રેલ્વે સ્ટેશનને પણ વિશ્વસ્તરીય બનાવાઇ રહ્યું છે. આ સ્ટેશન ગ્રીન બીલ્ડીંગ સર્ટીફીકેશન પ્રાપ્ત કરનાર આ દેશનું પહેલુ સ્ટેશન બનશે. આ સ્ટેશનના બિલ્ડીંગની ડીઝાઇનમાં શ્રેષ્ઠ ટેકનીકલ અને સુંદરતાના તત્વોનું અદ્ભૂત મિશ્રણ જોવા મળશે. આ બિલ્ડીંગને એટલી સાવચેતીથી ડીઝાઇન કરાયું છે કે આ સ્થળની વર્તમાન પરિસ્થિતિને ઓછામાં ઓછુ નુકસાન થાય. કાર્બન ઉત્પાદન ઓછુ કરવા માટે રીસાઇકલ્ડ સામગ્રીઓ જેવી કે ફલાય એશ બ્રીકસ, એરકંંડીશન રૂમ માટે ઇન્સ્યુલેટેડ ગ્લાસ અને સ્થાનિક સામગ્રીને ઉપયોગ થઇ રહ્યો છે. આ સ્ટેશનની છત પર ર૦૦ કિલોમીટરની વિદ્યુત ઉત્પાદન ક્ષમતાવાળી સોલર પેનલ લગાવવામાં આવશે. આ સ્ટેશન પર મલ્ટીપલ વોટર મેનેજમેન્ટ સુવિધા હશે. જેમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ વોટર ટ્રીટમેન્ટ પ્લાંટ, વોટરલેસ યુરીનલ ટ્રેટેડ વોટરના ઉપયોગથી ડ્રીપ ઇરીગેશન ટેકનોલોજી વગેરે સામેલ છે.

(3:22 pm IST)