Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ગામડા બન્યા શહેરો માટે મોડેલ

કોરોના : ગુજરાતના અનેક ગામડાઓએ રંગ રાખ્યો : વાયરસને પ્રવેશવા જ નથી દીધો

 અમદાવાદ,તા.૫ : સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાથી ૧૨ કિમી દૂર આવેલું કારીયાણી ગામ અત્યારસુધી ગામમાં કોરોનાને પ્રવેશ કરતો રોકવામાં સફળ રહ્યું છે. ૧,૧૦૦ના વસ્તીવાળા આ ગામના સરપંચે બહારના લોકોના પ્રવેશ પર બાજ નજર રાખવા માટે ૧૪ લોકોની ટીમ બનાવી છે.

 

 ગામના લોકો કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે છે. ગામના સરપંચ ભોપાભાઈ મેમકિયાએ જણાવ્યું હતું કે, 'ગામની સુરક્ષા માટે ૧૪ વોલેન્ટિયર્સને મેં સ્વખર્ચે યુનિફોર્મ, લાકડી અને જૂતાં આપ્યા છે. મજૂરો સહિત બહારની દરેક વ્યકિતના પ્રવેશ પર પ્રતિબંધ છે. અમે શાકભાજી વેચતા ફેરિયાઓને પણ અંદર આવવાની મંજૂરી આપતા નથી. ગ્રામજનો ગામમાં જે ઉગે છે તે જ શાકભાજી ખાય છે'.

 હકીકતમાં, ગામડાઓએ ગુજરાતના મહાનગરોને મહામારીના ફેલાવા પર નિયંત્રણ લાવવાનો માર્ગ દેખાડ્યો છે. રાજયના આઠ મહાનગરોમાં જયારે રોજના ૫૫ ટકા કેસ અને મૃત્યુ નોંધાઈ રહ્યા છે, ત્યારે ઘણા એવા ગામડાઓ પણ છે જેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ-૧૯ના અન્ય નિયમોનું કડક રીતે પાલન કરીને ગર્વ સાથે સંક્રમણને દૂર રાખી શકયા છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાનો અહેવાલ જણાવે છે.

 જામનગરના હાપા ગામમાં, તમામ મહિલા સભ્યોના નેતૃત્વમાં પંચાયતે લગ્નના મહેમાનો સહિત બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધની સાથે વર્ચ્યુઅલ લોકડાઉન સહિતના પગલા લીધા છે.

'ગ્રામજનોએ આપમેળે આવતા વર્ષ સુધી લગ્નપ્રસંગોને મુલતવી રાખ્યા છે. પરિવારના માત્ર ૧૦-૧૫ લોકો અંતિમ સંસ્કારમાં જાય છે. છ પરિવારોના પરિજનો કે, જેઓ અમદાવાદ અને સુરતમાં રહે છે તેમને મેં વ્યકિતગત રીતે ફોન કરીને સલાહ આપી હતી કે, જયાં સુધી મહામારી ખતમ ન થાય ત્યાં સુધી તેઓ પાછા ન આવે', તેમ ગામના સરચંપ ભાનુબેન મહેશભાઈએ કહ્યું હતું.

 ભુજના કુનરીયા ગામમાં ૬ મહિલાઓની કોવિડ-૧૯ રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવી છે, જે પંચાયતને નિયમિત ફીડબેક આપે છે. 'કોઇપણ ઉદ્દેશથી ગ્રામજનોના ભેગા થવા પર પ્રતિબંધ છે. ગ્રામીણો પણ મહામારીનો શિકાર બની શકે છે', તેમ કુનરીયા ગામના સરપંચ સુરેશ છાંગાએ જણાવ્યું હતુ.

(11:37 am IST)
  • ખંભાળિયામાં યુવાનને નગ્ન કરીને ફેરવવાનો મામલો: ઇન્ચાર્જ પીઆઇ સહિત નવ પોલીસમેન સસ્પેન્ડ, ટ્રાફિક બ્રિગેડના બે કોન્સ્ટેબલને બરતરફ કરાયા: પોલીસ ઇન્સ્પેકટરને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં રખાયા : રાજકોટ રેન્જના આઇજી સંદીપ સિંહનું આકરુ પગલું access_time 9:37 pm IST

  • ગુજરાત સરકારે IAS અધિકારી અરવિંદ અગ્રવાલનો GSFCના CMD તરીકેનો કાર્યકાળ ન લંબાવતા વધારાનો ચાર્જ ACS મુકેશ પુરીને સોંપ્યો. access_time 11:49 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 96 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 35,002 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 96,06,810 થઇ :એક્ટીવ કેસ 4,08,122 થયા : વધુ 40,966 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 56,68 રિકવર થયા :વધુ 473 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,700 થયો access_time 12:02 am IST