Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

સોમવારે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ : રાષ્ટ્રની સેવામાં સર્વસ્વ સમર્પિત કરનારા જાંબાઝ પ્રહરીઓ માટે ઉદાર હાથે ફાળો આપવા અપીલ

દેશનાં નાગરીકોને શ્રી રામનાથ કોવિંદ, આચાર્ય દેવવ્રતજી, વિજયભાઇરૂપાણી, પ્રદિપસિંહ જાડેજા દ્વારા અનુરોધ

રાજકોટ,તા.૫ : સેનાના જવાનોના સાહસ, શૌર્ય અને અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવા સમગ્ર રાષ્ટ્ર ડિસેમ્બરના દિવસને દર વર્ષે 'સશસ્ત્ર સેના ધ્વજ દિવસ' તરીકે ઉજવે છે. રાષ્ટ્રપતિ  , રાજયપાલશ્રી, મુખ્યમંત્રી  અને ગૃહરાજયમંત્રીએ રાષ્ટ્રની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર જાંબાઝ પ્રહરીઓ પ્રત્યે નાગરિક કર્તવ્ય ભાવ દાખવી ઉદાર હાથે ફાળો આપવા પ્રજાજનોને અપીલ કરી છે.

 રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદે પ્રજાજનોને અપીલ કરતા જણાવ્યું છે કે, આ દિવસ રાષ્ટ્રની સેવામાં સમર્પિત સશસ્ત્ર દળો અને પૂર્વ સૈનિકો પ્રત્યે ઋણ ચૂકવવાનો છે. આપણે સૌએ ઉદાર હાથે ફાળો આપી રાષ્ટ્રના વીર શહીદોના આશ્રિતો અને દિવ્યાંગ સુરક્ષાકર્મીઓના પુનર્વસવાટની જવાબદારી નિભાવવી જોઇએ.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજયના તમામ નાગરિકોને સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ફાળો આપવા અપીલ કરતાં જણાવ્યું છે કે, યુદ્ઘ અને શાંતિના સમયમાં સશસ્ત્ર સેનાઓ રાષ્ટ્રની સેવામાં પોતાનું અમુલ્ય યોગદાન આપી રહી છે. દેશની વિશાળ સીમાઓના રક્ષણ માટે સશસ્ત્ર સેનાઓએ બેજોડ સાહસ, શૌર્ય અને કર્તવ્ય નિષ્ઠતાના દર્શન કરાવ્યા છે.

 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું  છે કે, દેશ પર આવેલી કુદરતી કે કૃત્રિમ આપત્ત્િ।ના સમયે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અસરગ્રસ્તોની સહાય માટે ખડે પગે રહેતા આપણા વીર જવાનો સમગ્ર દેશનું માન અને ગૌરવ છે. આ સશસ્ત્ર સેના દિને આપણે સૌ ઉદાર હાથે ફાળો આપી સહહ્ર્દયતા સાથે શૂરવીર સૈનિકો અને તેમના પરિવાર પ્રત્યે આત્મીયતા અને સન્માનની લાગણી વ્યકત કરીએ.

 ગૃહરાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું  છે કે, આ 'સશસ્ત્ર સેના દિન' રાષ્ટ્રના સેનાનીઓ પ્રત્યે આપણા આદર, સન્માન અને ગૌરવની લાગણી પ્રગટ કરવાનો અનેરો અવસર છે ત્યારે સશસ્ત્ર સેનાનીઓ તથા તેમના પરિવારજનોના કલ્યાણ માટે આપણે સૌ ઉદાર હાથે ફાળો આપી સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરીએ.

(11:36 am IST)