Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

બી.જે. મેડિકલના રેસિડેન્ટ ડોક્ટરો ફરીથી વિવાદમાં: રેસિડેન્ટ ડોક્ટરે ભારે હંગામો

અમદાવાદ: તાજેતરમાં બી.જે. મેડિકલની પી.જી. હોસ્ટેલના ધાબા પરથી દારૂની બોટલો પકડાવવાનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં બી.જે. મેડિકલના રેસિડેન્ટ ડોક્ટરો ફરીથી વિવાદમાં આવ્યા છે. આમ વારંવાર વિવાદને લઇ નવી પેઢી ક્યાં જઇને અટકશે તે એક વિચારવા જેવી બાબત છે. વાત એમ છે કે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ પેથોલોજી લેબોરેટરીમાં રિપોર્ટને લઇ એક રેસિડેન્ટ ડોક્ટરે ભારે હંગામો મચાવી અન્ય ડોક્ટરોના ટોળાએ મહિલા રેસિડેન્ટ ડોક્ટરો પર હુમલો કરતા ભારે હંગામો મચી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા ત્રણ રેસિડેન્ટ ડોક્ટરોને કમિટીમાં નિર્ણય લઇ બી.જે. મેડિકલના ડીને તાકીદે સસ્પેન્ડ કરી દીધા છે. જેના કારણે અન્ય રેસિ. ડોક્ટરોએ હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે.મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં આવેલી પેથોલોજી લેબોરેટરીમાં મંગળવારે સવારે એક રિપોર્ટ લઇને રેસિડેન્ટ ડોક્ટર સચીન વિશ્વકર્મા ગયો હતો. ડોક્ટરે રિપોર્ટમાં વાંધા વચકા કાઢી લેબોરેટરીમાં ફરજ બજાવતી બી.જે. મેડિકલની રેસિડેન્ટ મહિલા ડોક્ટર સાથે મગજમારી કરી હતી. દરમિયાન બંને વચ્ચે માથાકુટ વધી જતા ડોક્ટરે તેના અન્ય સાથી બે ડોક્ટરને લઇ મહિલાઓને ડરાવવાની કોશીશ કરી હતી. આમ બંને પક્ષો વચ્ચે જોરદાર તૂંતૂંમેમે થતા હંગામો મચી ગયો હતો. ઉગ્ર બનેલા વાતાવરણમાં ત્રણેય ડોક્ટરો લેબમાં અંદર પ્રવેશ કરે તે પહેલા જ લેબોરેટરીનો ટેકિનશીયન અને પટાવાળા વચ્ચે આવીને દરવાજો બંધ કરી દીધો હતો. જ્યાં ડોક્ટરોએ તેમની સાથે ઝપાઝપી કરી હતી. હાથનો બળપ્રયોગમાં પહોંચી ન વળતા ઉશ્કેરાયેલા રેસિડેન્ટ ડોક્ટરો અન્ય ડોક્ટરોને બોલાવી ટોળું ભેગુ થઇ જતા લેબોરેટરીના કાચ તોડી નાંખ્યા હતા. આમ વ્હાઇટ કોલર પ્રોફેશન ગણાતા ડોક્ટરો રીતસરની લુખ્ખાગીરી પર ઉતરી આવ્યા હતા.જ્યાં લેબોરેટરીમાં હાજર છ મહિલા ડોક્ટરો ગભરાઇ ગઇ હતી. આ દરમિયાન બી.જે. મેડિકલના ડીન સહિત ઉચ્ચ સત્તાધીશો દોડી આવ્યા હતા. કલાકો બાદ આખો મામલો થાળે પાડયો હતો. દરમિયાન આ ઘટનાને લઇ બી.જે. મેડિકલના ડીને આજે કમિટી બનાવી આખો દિવસ હાઇવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. આખરે બી.જે. મેડિકલના ત્રણ રેસિડેન્ટ ડોક્ટરોને સસ્પેન્ડ કર્યા હતા. આ તમામ સિવિલના સર્જરી વિભાગમાં ફરજ બજાવતા હતા. આમ મામલો તંગ ન બને તે માટે બી.જે. મેડિકલના સત્તાધીશોએ પોલીસ બેસાડી દીધી છે.

(4:53 pm IST)