Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

ગુજરાતમાં ૨ વર્ષમાં ગુમ થયા ૪૬૯ બાળકો

૩૫ ટકા છોકરીઓ અને ૫૧ ટકા છોકરાઓ હજુ પાછા ફર્યા નથી

અમદાવાદ, તા.૫: રાજયમાં બાળકો ગુમ થયા હોય તેવા કિસ્સા અવારનવાર સામે આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષની વાત કરીએ તો ૪૬૯ જેટલા બાળકો ગુમ થયા હતા જેમાંથી ૩૫ ટકા છોકરીઓ અને ૫૧ ટકા છોકરાઓ હજુ સુધી દ્યરે પરત આવ્યા નથી અથવા તો તેમને શોધી શકાયા નથી, તેવું CBI (ક્રાઈમ)ના આંકડા દર્શાવે છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે, ૨૦૧૮ અને ૨૦૧૯માં ૩૬૯ છોકરીઓ અને ૧૦૦ છોકરાઓ ગુમ થયા હતા. જેમાંથી માત્ર ૬૫.૫૮ ટકા છોકરીઓને શોધી શકાઈ છે અથવા તો દ્યરે પરત ફરી છે જયારે ૫૧ ટકા છોકરાઓના તો કોઈ સમાચાર જ નથી.

એડિશનલ DGP અનિલ પ્રથમ કે જેઓ મહિલા સુરક્ષા સેલના ઈનચાર્જ છે, તેમનું કહેવું છે કે કેટલીકવાર બાળકો ઘરે પરત ફરે છે પરંતુ જાણ કરાતી નથી અને તેથી ગુમ થયેલા બાળકોની સંખ્યા હકીકત કરતાં વધારે છે.

૨૦૧૯માં ૦-૧૪ વર્ષની વયજૂથના ૨૯ છોકરાઓ અને ૪૮ છોકરીઓ ગુમ થઈ હતી. જયારે ૧૫-૧૮ વર્ષની ઉંમર ધરાવતા ૧૪ છોકરાઓ અને ૧૫૪ છોકરીઓ ગુમ થઈ હતી. જેમાંથી ૦-૧૪ વયજૂથની ૧૩ છોકરાઓ અને ૧૮ છોકરીઓને પોલીસ શોધી કાઢવામાં સફળ રહી છે. જયારે ૧૫-૧૮ વર્ષના ઉંમર ધરાવતા ૬ છોકરાઓ અને ૧૧૫ છોકરીઓ મળી આવી હતી.

૨૦૧૮માં ૦-૧૪ વર્ષની વયજૂથના ૩૦ છોકરાઓ અને ૪૧ છોકરીઓ ગુમ થઈ હતી જયારે ૫-૧૮ વર્ષની ઉંમર ધરાવતા ૨૫ છોકરાઓ અને ૧૨૬ છોકરીઓ ગુમ થઈ હતી. જેમાંથી ૦-૧૪ વર્ષની વયજૂથના ૧૫ છોકરાઓ અને ૨૬ છોકરીઓને શોધી કઢાઈ હતી અથવા તો તેઓ ઘરે પરત ફર્યા હતા. જયારે ૧૫-૧૮ વર્ષની ઉંમર ધરાવતા ૧૫ છોકરાઓ અને ૮૩ છોકરીઓ ૩રે પરત ફરી હતી અથવા તો મળી આવી હતી.

વર્ષ ૨૦૧૩ની વાત કરીએ તો વેજલપુરમાં રહેતી વિશ્વા નામની ૧૧ વર્ષની છોકરી ઘર પાસેથી ગુમ થઈ હતી. જેની ભાળ હજુ સુધી મળી નથી. શહેર ક્રાઈમ બ્રાન્ચે તેનો કેસ હજુ ચાલુ રાખ્યો છે, પરંતુ આશંકા એવી છે કે વિશ્વા માનવ તસ્કરોના હાથમાં આવી હોઈ શકે.

સરકાર ભલે છેલ્લા બે વર્ષમાં ૬૫ ટકા છોકરીઓ અને ૪૯ ટકા છોકરાઓને શોધવામાં સફળ રહી હોય અથવા તો પછી તેઓ જાતે દ્યરે પરત ફર્યા હોય. પરંતુ ૩૪.૪૨ ટકા છોકરીઓ અને ૫૧ ટકા છોકરાઓ હજુ ગાયબ છે જેમાં બાળકો અને કિશોરો સહિત છોકરીઓ પણ સામેલ છે અને આ આંકડાઓને અવગણી શકાય નહીં, તેમ એક NGOના ફાઉન્ડર સંજય જોશીએ કહ્યું. 'ગુમ થયેલા મોટાભાગના બાળકો માનવ તસ્કરીનો શિકાર બન્યા હોય તેવું બની શકે. આટલો સમય વીતી ગયા પછી પણ જે બાળકો ઘરે આવ્યા નથી તેમને વેશ્યાવૃતિ અથવા તો તેનાથી પણ ખરાબ જગ્યા પર ધકેલી દેવાયા હોય, તેની પણ કયાં કોઈને જાણ છે', સંજય જોશીએ વિશ્વાના કેસને યાદ કર્યો જે ૨૦૧૩માં ગુમ થઈ હતી અને તેનો હજુ સુધી કોઈ પત્તો નથી. 'મેં આ મામલે ત્રણવાર મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, પરંતુ એકપણ વખત જવાબ મળ્યો નથી' તેમ જોશીએ કહ્યું.

૨૦૧૪માં જલધિ નામની ૧૬ વર્ષની છોકરી પોતાની ફ્રેન્ડ નેહા સાથે ટ્યુશન કલાસમાં ગઈ હતી, જયાંથી તે ગુમ થઈ હતી. દ્યટનાના ચાર દિવસ બાદ નેહા તો પરત ફરી પરંતુ જલધિને શોધી શકાઈ નથી. આ કેસને કોર્ટ દ્વારા CBIને સોંપવામાં આવ્યો હતો.

જુલાઈ, ૨૦૧૯માં મહિલા પોલીસે આનંદી સલાટ અને સંપત નામના કપલની ધરપકડ કરી હતી જેમણે ૧૬ બાળકોને ભિક્ષાવૃતિમાં ધકેલી દીધા હતા. તે સમયે પોલીસે કહ્યું હતું કે આ કપલે કેટલાક બાળકોની પુણેથી ઉઠાંતરી કરી હતી.

એડિશનલ DGP અનિલ પ્રથમ કે જેઓ વુમન સેફટી એન્ડ મિસિંગ પર્સન સેલના ઈન્ચાર્જ પણ છે તેમણે કહ્યું કે, તેઓ મોટાભાગના બાળકો અને છોકરાઓને શોધી કાઢવામાં અને પરત લાવવામાં સફળ રહ્યા છે. પ્રથમે માનવ તસ્કરી થતી હોવાનું પણ સ્વીકાર્યું.

(12:56 pm IST)