Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

HSRP પ્લેટ લગાવવામાં હજુય અમદાવાદી ઉદાસીન

નવી પ્લેટ લગાવવાની છેલ્લી ૩૧ ડિસેમ્બર હશેઃ ઘરઆંગણે આવી લગાવી જવાની કરેલી પહેલમાં રાજકોટ વડોદરા, સુરતના લોકોમાં અમદાવાદ કરતા વધુ જાગૃતતા

અમદાવાદ,તા. ૫: વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની છેલ્લી તારીખ તા.૩૧-૧૨-૨૦૧૮ નજીક હોવા છતાં જનતામાં ઉદાસીનતા વારંવાર મુદત વધારાઈ પણ હવે મુદત નહીં વધવાની હોવાથી જૂની નંબર પ્લેટ્સ ધરાવતા વાહનમાલિકોએ ચેતી જવાની જરૂર છે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વાહનોમાં જૂની નંબર પ્લેટ્સ બદલીને એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની કવાયત કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ (સીઓટી) અને એચએસઆરપી દ્વારા ચલાવવામાં આવી રહી છે. એટલું જ નહીં સમયાંતરે એ માટેની અંતિમ તારીખ પણ અનેકવાર લંબાવવામાં આવી છતાં લોકોમાં ઉદાસીનતાના કારણે મોટી સંખ્યામાં જૂની નંબર પ્લેટ્સ ધરાવતા વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લાગી શકી નથી. તાજેતરમાં જ સરકાર અને આરટીઓ તંત્ર દ્વારા એક હકારાત્મક નિર્ણયના ભાગરૂપે આરટીઓને સહાયક બનવાના હેતુથી વિવિધ સોસાયટીઓમાં જઈને તથા શાળા- કોલેજોમાં જઈને વાહનોની જૂની નંબર પ્લેટ્સ બદલી એચએસઆરપી નંબર પ્લેટ્સ લગાવવાની ઓફર પણ કરેલી છે. પરંતુ આમ છતાં સોસાયટીઓ દ્વારા ધરઆંગણે આવી સુવિધા મળતી હોવા છતાં સક્રિયતા દાખવવામાં આવી નથી અને મોટી સંખ્યામાં હજુ વાહનોમાં જૂની નંબર પ્લેટ્સ બદલાઈ નથી. નગરજનો ખાસ કરીને વાહનચાલકો દ્વારા દાખવાઇ રહેલી ઉદાસીનતાના કારણે એચએસઆરપી લગાવવાની સમગ્ર કામગીરી વિલંબિત થઇ રહી છે. નોંધનીય વાત એ છે કે, એચએસઆરપી લગાવવામાં અમદાવાદીઓ સુરત, રાજકોટ જેવા શહેરો કરતાં પાછળ ચાલી રહ્યા છે. અન્ય શહેરોના નાગરિકો આ મામલે વધુ જાગૃત હોવાનું સામે આવ્યું છે. એચએસઆરપી નંબર પ્લેટ બદલાવી લેવા માટેની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ છે.

અત્યાર સુધીમાં ધણીવાર અંતિમ તારીખ લંબાવવામાં આવી છે અને હજુ આ વખતે પણ તારીખ લંબાવાશે એમ માનીને લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. પરંતુ હવે આ અંતિમ તારીખ જો લંબાવવામાં ના આવે તો, જૂની નંબર પ્લેટ ન બદલનારા લોકોએ દંડ ભરવો પડી શકે છે. તંત્રએ શકય એટલી ઝડપથી વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવી દેવા જાહેર અનુરોધ પણ કર્યો છે.

(10:01 pm IST)