Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

અમદાવાદમાં મીટર ગેજ રેલ્વે લાઇનનુ બ્રોડગેજમા કન્વર્ઝન થતાં બંધ કરાયેલ માદલપુરનુ ગરનાળુ ફરીથી શરૂ કરાયુ

અમદાવાદ: મીટર ગેજ રેલવે લાઈનનું બ્રોડગેજમાં કન્વર્ઝન થતું હોવાના કારણે બંધ કરાયેલું માદલપુર ગરનાળું શરુ થઈ ગયું છે. ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા વિસ્તારમાં માદલપુર ગરનાળું પહોળું કરવાનું હોવાથી છેલ્લા ખાસ્સા સમયથી તે બંધ હતું. જોકે, હવે કામ પૂરું થઈ ગયું છે અને વાહનચાલકોએ તેનો ઉપયોગ પણ શરુ કરી દીધો છે.

જોકે, ટાઉનહોલ સાઈડ તો તે બંધ હોવાનું બોર્ડ હજુય મારેલું છે. પરંતુ, વાહનચાલકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે. માદલપુર ગરનાળું બંધ હોવાના કારણે લોકોને મીઠાખળી અંડરબ્રિજ કે પછી પ્રિતમનગર થઈને જવું પડતું હતું. જોકે, હવે રસ્તો ખૂલ્લો થવાની સાથે પહોળો પણ થઈ જતાં ટ્રાફિકની સમસ્યા હળવી બનશે.

ઉલ્લેખનીય છે કે, માદલપુર ગરનાળાની બંને સાઈડના રસ્તા પહોળા હતા, પરંતુ ગરનાળા પાસે બોટલનેકની સ્થિતિ સર્જાવાના કારણે ટ્રાફિકજામ થતો હતો. વળી, ટ્રેન પસાર થતી હોય ત્યારે ગંદકી પોતાના પર પડે તે માટે વાહનચાલકો થોભી જતા હોવાથી પણ ટ્રાફિક વધતો હતો. જોકે, હવે સમસ્યા દૂર થઈ છે.

માદલપુરનું કામ પૂરું થયા બાદ હવે મીઠાખળી અંડરબ્રિજ પરથી પસાર થતા રેલવે ટ્રેકનું કામ પણ જલ્દી શરુ થાય તેવી શક્યતા છે.

(5:02 pm IST)