Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

વડોદરાના પૂર્વ ક્રિકેટર અને એનઆરઆઈનો પત્તો અંતે મળ્યોઃ બાતમીદારોના માધ્યમથી દમણની હોટલમાંથી કબ્જો મેળવાયો

અમેરિકન એમ્બેસી પણ હરકતમાં આવી હતીઃ રાજ્યભરમાં ભારે ચકચાર મચી હતી :અપહરણ થયાની આશંકા ખોટીઃ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે વચન પાળી બતાવતા પરિવાર ખુશખુશાલ

રાજકોટ, તા. ૫ :. વડોદરાના પૂર્વ ક્રિકેટર અને એનઆરઆઈ બેંકમાં વિદેશી ચલણ વટાવવા ગયા બાદ રહસ્ય સંજોગોમાં લાપત્તા બન્યા બાદ અમેરિકન એમ્બેસી સુધી જેના પડઘા પડયા હતા અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી સમગ્ર વડોદરા પોલીસને કામે લગાડી હતી તેવા ગુજરાતભરમાં ચકચારી બનેલા મામલામાં એનઆરઆઈ મિત્તલ સરૈયાનો પત્તો દમણની એક હોટલમાંથી મળી આવતા વડોદરા પોલીસે તેનો કબ્જો લીધો હતો અને તેની પૂછપરછ હાથ ધરી છે.

એક તબક્કે જેના અપહરણની ફરીયાદ નોંધાયેલી હતી તેવા મિત્તલ સરૈયા ગત તા. ૨ના રોજ પિતાની તબીયત નાદુરસ્ત હોવાથી તેની ખબર કાઢવા વડોદરા આવ્યો હતો. ત્યાર બાદ તે બેંકે જવા નિકળ્યા બાદ રીક્ષામાં બેઠો હતો. ત્યાર બાદ તેનો ફોન બંધ થઈ જતા અન્ય રીતે કોઈ પત્તો ન લાગતા પરિવાર દ્વારા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનો સંપર્ક સાધવામાં આવતા તેઓએ ખૂબ જ શાંતિથી પરિવારને સાંભળી કોઈપણ ભોગે તેમના પુત્રનો પત્તો મેળવીને જ રહેશે તેવી સાંત્વના આપવા સાથે ખાત્રી આપી હતી. દરમિયાન તેના પત્નિએ પોતાના પતિ ગૂમ થયાની યુએસ એમ્બેસીને જાણ કરતા જ અમેરિકન પોલીસ પણ હરકતમાં આવી હતી.

પોેલીસ ટીમોની સાથોસાથ તેના સ્કૂલ મિત્રોનું વોટસએપ ગ્રુપ પણ તેની શોધખોળમાં મદદરૂપ બન્યુ હતું. દરમિયાન પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને બાતમીદાર દ્વારા મિતલ દમણની હોટલમાં હોવાની માહિતી મળતા પોલીસે તેના ખાનગીમાં ફોટા મંગાવી અને ખરાઈ કર્યા બાદ તૂર્ત દમણ પોલીસને જાણ કરી ક્રાઈમ બ્રાંચની ટીમે દમણ હોટલ પર પહોંચી મિત્તલને શોધી કાઢયો હતો. પોલીસે તો હાલતૂર્ત મિત્તલને ભોજન કરાવી વડોદરા લાવી વિશેષ પૂછપરછ હાથ ધરી છે.

(2:49 pm IST)