Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

વડોદરાના પાદરાના તેલના વેપારીનો ગૂમ થયેલ એન્જીનીયર પુત્ર સિમલામાંથી મળ્યો

પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ઘર છોડી ભાગી ગયેલ અને સિમલાની હોટલમાં નોકરી કરતો હતો

વડોદરાના પાદરાના તેલના વેપારીનો ગુમ થયેલો એન્જીનીયર પુત્ર પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ઘર છોડી ભાગી ગયો હતો તેને પોલીસ જવાનોએ શોધી કાઢી સહી સલામત રીતે પરિવારને સુપરત કર્યો છે.

 આ અંગેની વિગત મુજબ પાદરા ગાંધી ચોક બજારમાં તેલની દુકાન ધરાવતા ઘનશ્યામભાઇ ઠક્કરનો 19 વર્ષિય પુત્ર દ્વારકેશ વાસદ ખાતે આવેલી એસ.વી.આઇ.ટી. કોલેજમાં મિકેનીકલના પહેલાં વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે 14 ઓકટોબરના રોજ કોલેજ જવાનું કહીને નીકળ્યા બાદ પરત નહિ ફરતા પરિવારના માથે આભ તુટી પડયું હતું.

  બીજી તરફ ઘરેથી ભાગીને તે સીમલા પહોંચી ગયો હતો. જયાં રોયલ રિત્વિક હોટલમાં નોકરી માંગવા ગયો હતો પણ હોટલના મેનેજરને તેના ઉપર શંકા જતાં, તેઓએ આઇ.ડી. પ્રૂફના સરનામાના આધારે પાદરા પોલીસનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન પાદરા પોલીસના જવાન સંજયસિંહ ગોહિલ પણ સીમલા જ ફરવા માટે ગયાં હતાં. પાદરા પીઆઇ કુરમરે તેમને બનાવથી વાકેફ કર્યા હતાં. સંજય ગોહિલ અને નડીયાદ જીઇબીમાં ફરજ બજાવતાં તેમના મિત્ર દિનેશ પાંડે સહિત ત્રણ લોકોએ સ્થાનિક ટેકસી ડ્રાયવરો તથા લોકોની પૂછપરછ કરી દ્વારકેશને સિમલાથી 20 કીમી દુરથી શોધી કાઢયો હતો.

દ્વારકેશ વાસદ ખાતે આવેલી એસ.વી.આઇ.ટી. કોલેજમાં મિકેનીકલના પહેલાં વર્ષમાં અભ્યાસ કરે છે. પરિણામ સારું નહિં આવે તેવા ડરથી તે તા.14 ઓકટોબરના રોજ ઘરેથી નીકળી ગયો હતો. પરિવારજનોએ અનેક સ્થળોએ શોધખોળ કરવા છતાં, મળી ન આવતા આખરે પાદરા પોલીસ મથકમાં પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

(9:43 pm IST)