Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

૩૦૦૦ની લેતીદેતી મુદ્દે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ પર હુમલો

ઓઢવના પંચદેવ મંદિર પાસે બનાવ બન્યો : પૈસાની લેતી-દેતી બાબતે તેમના ત્રણ મિત્રોએ ચપ્પા દ્વારા હુમલો કર્યો : હિંસક હુમલા મામલેં પોલીસ મથકે ફરિયાદ

અમદાવાદ, તા. ૫ : શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા પંચદેવ મંદિર પાસે ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થી ઉપર પૈસાની લેતી-દેતી બાબતે તેમના જ ત્રણ મિત્રોએ ચપ્પા વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીએ સમગ્ર બનાવ અંગે ઓઢવ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ શીતલછાયા સોસાયટીમાં રહેતાં અને વસ્ત્રાલમાં આવેલ મહાદેવનગરની જ્ઞાનોદય વિદ્યાલયનાં ધોરણ-૧રમાં અભ્યાસ કરતાં આકાશ ઉપાધ્યાયે ઓઢવ પોલીસ સ્ટેશનમાં તેના જ ત્રણ મિત્રો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આકાશ અને તેના મિત્ર શિવમ અને અતુલ બાઈક પર જતાં હતાં,

                   ત્યારે ત્રણેય યુવકો પૈકી અતુલ પાસે આવીને કહેવાં લાગ્યાં કે તારી પાસેથી ત્રણ હજાર રૂપિયાં લીધા હતા તે પાછાં નહીં મળે. અતુલે તારા પૈસા આપવાં પડશે તેમ કહેતાં રાહુલ નામનો યુવક એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને અતુલ પર એકાએક હુમલો કરી દીધો હતો. રાહુલે આકાશ અને શિવમને પીઠ અને શરીર પર ચપ્પાનાં ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ શિવમનાં એક્ટિવાની તોડફોડ કરીને ધમકી આપતાં કહ્યુ હતું કે, હવે પછી જો પૈસા માગ્યા તો જાનથી મારી નાખીશ. ધમકી આપીને રાહુલ અને તેનાં બે મિત્રો ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત આકાશ અને શિવમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. પોલીસે રાહુલ તથા બે મિત્રો વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:26 pm IST)