Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

આણંદ નજીક વઘાસીમાં ત્રણ મકાનો તસ્કરોના નિશાન બન્યા: 1.10 લાખની મતાની ઉઠાંતરી થતા પોલીસ ફરિયાદ હાથ ધરાઈ

આણંદ: નજીક આવેલા વઘાસીની રઘુવીર આંગન અને ધરતી દર્શન સોસાયટીના ત્રણ જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવીને લાખોની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની મદદથી તસ્કરો સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી બ્રીજેશભાઈ વિનોદભાઈ દરજી ગણેશ ઓવરબ્રીજ પાસે આવેલા વઘાસીની રઘુવીર આંગન સોસાયટીમાં રહે છે. ગત ૨જી તારીખના રોજ સાંજના સુમારે તેઓ પોતાના મકાનને તાળુ મારીને પરિવાર સાથે વડોદરા ખાતે રહેતા સંબંધીને ત્યાં ગયા હતા. દરમિયાન રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને દરવાજાનું તાળુ તોડીને અંદર પ્રવેશ કરી બેડરૂમની તીજોરી ખુલ્લી હોય તેમાંથી સોનાનું ડોકીયું, સોનાની ચેઈન, ત્રણ જોડ ચાંદીના છડા, સોનાની ચાર જોડ બુટ્ટી, ચાંદીની લ-મીજીની મૂર્તિ વગેરે મળીને કુલ ૧,૧૦,૩૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તસ્કરો ત્યાંથી નજીકમાં જ રહેતા હર્ષદભાઈ ભગવાનસિંહ ઠાકોરના બંધ મકાનમાં ત્રાટક્યા હતા અને દરવાજાનું તાળુ તોડીને અંદર પ્રવેશ કરી તેમાંથી પણ સોના-ચાંદીના દાગીના તેમજ અન્ય ચીજવસ્તુઓની ચોરી કરી લીઘી હતી. જો કે હર્ષદભાઈ પરિવાર સાથે બહારગામ હોય તેમના ઘરમાંથી કેટલાની મત્તાની ચોરી થઈ છે તે જાણવા મળ્યું નથી.

(5:41 pm IST)