Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

આણંદ એસઓજીએ ખંભાત તાલુકાના વાડોલામાં 23 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી

આણંદ: એસઓજી પોલીસે આજે સાંજના સુમારે ખંભાત તાલુકાના વાડોલા ગામના મામા કમાલ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં છાપો મારીને ૨૩ કિલો ઉપરાંત ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. જે દરમ્યાન નશીલા દ્રવ્યના ઉત્પાદન અને વેચાણની કેટલીક સ્ફોટક વિગતો પ્રકાશમાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પોલીસની કાર્યવાહી ચાલી રહી હોવાનુ ંજાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ એસઓજીને આજે માહિતી મળી હતી કે, ખંભાત તાલુકાના વાડોલા ગામે આવેલા મામા કમાલ વિસ્તારના ગોમટા વડ પાસે રહેતા મંગળભાઈ ધુળાભાઈ પરમાર પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરીને તેનું વેચાણ કરે છે. હાલમાં પણ કેટલાક ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા છે. જેના આધારે એસઓજીની ટીમ ત્રાટકી હતી અને તપાસ કરતાં મંગળભાઈ પરમાર મકાનની પાછળ આવેલા ખેતરમાંથી મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતાં લચકા ઘાસની અંદર ૧૩ જેટલા ગાંજા જેવા છોડ મળી આવ્યા હતા. જેની ખરાઈ કરવા માટે એફએસએલને જાણ કરતાં એફએસએલ અધિકારી નાર્કો કીટ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શંકાસ્પદ ગાંજાના છોડની તપાસણી કરતા તે નશીલો પદાર્થ ગાંજો જ હોવાનું ખુલવા પામ્યું હતુ.

(5:40 pm IST)