Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

સુરતમાં આરોગ્ય મંત્રી કિશોર કાનાણી ટ્રાફિકમાં ફસાઇ જતા ટ્રાફિક સમસ્યાનો કડવો અનુભવ થયોઃ દંડ ઉઘરાવવા કરતા ટ્રાફિક નિયમનનું પાલન કરાવવા આદેશ

સુરત: રવિવારે આરોગ્ય મંત્રી કિશોર કાનાણી વરાછા રોડ પર ટ્રાફિકમાં ફસાઈ જતાં શહેરમાં પ્રવર્તી રહેલી ટ્રાફિકની સમસ્યાનો કડવો અનુભવ થયો. થોડે દૂર ઊભેલા 10 જેટલા પોલીસકર્મીઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ચલન આપી રહ્યા હતા. આ જોઈને મંત્રી કિશોર કાનાણીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. મંત્રી કારમાંથી બહાર આવ્યા અને પોલીસકર્મીઓને દંડ ઉઘરાવ્યા કરતા ટ્રાફિકનું નિયામન કરવાની સૂચના આપી.

પોલીસકર્મીઓ માત્ર દંડ વસૂલતા હતા: કાનાણી

મંત્રી કાનાણી વરાછા રોડ પર આવેલા મહારાણા પ્રતાપ ગાર્ડન પાસે હતા જ્યારે તેમણે ટ્રાફિક પોલીસની ટીમને માત્ર દંડ ઉઘરાવતા જોયા. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈંડિયાને મંત્રીએ કહ્યું કે, “શહેરમાં ટ્રાફિકજામ એ રોજિંદા જીવનનો ભાગ બની ચૂક્યો છે. દરેક ચાર રસ્તા પર લોકો ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળશે. ટ્રાફિકમાંથી વાહનચાલકો માંડ બહાર નીકળે ત્યાં પોલીસવાળા તેમને પકડી લે છે અને હેલ્મેટ ન પહેર્યું હોય તો કે અન્ય કોઈ કારણોસર વાહનચાલકો પાસેથી દંડ વસૂલે છે. 10થી 20 ટ્રાફિક પોલીસકર્મીઓ ત્યાં ઊભા રહીને માત્ર દંડ વસૂલતા હતા, ટ્રાફિક નિયમન પ્રત્યે ધ્યાન જ નહોતું.”

મંત્રીનો દાવો

મંત્રી કિશોર કાનાણીએ દાવો કર્યો કે, સુરતમાં ટ્રાફિકની સમસ્યા વિશે એક અઠવાડિયા પહેલા જ શહેર પોલીસ કમિશ્નર સતીષ શર્મા સાથે ચર્ચા કરી હતી. પરંતુ ટ્રાફિક પોલીસ માત્ર ચલન બનાવવામાં જ વ્યસ્ત હોવાથી કાનાણીને દખલગીરી કરવી પડી. ટ્રાફિક પોલીસકર્મીઓને તેમની ડ્યૂટી સમજાવ્યા બાદ કિશોર કાનાણીએ અન્ય કેટલાક પોલીસકર્મીઓ સાથે ફોન પર વાત કરી.

‘સરકારના આદેશોનું પાલન કરીએ છીએ’

સુરત પોલીસ કમિશ્નર સતીષ શર્માએ કહ્યું કે, “રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા કોઈપણ વ્યક્તિને બક્ષવા નહીં. તાજેતરમાં જ અમે એક મહિના સુધી ખોટી સાઈડ વાહન ચલાવતા ચાલકો સામે ડ્રાઈવ ચલાવી, અમે માત્ર સરકારના આદેશનું પાલન કરીએ છીએ. એટલે એમ કહેવું કે ટ્રાફિક પોલીસ માત્ર દંડ વસૂલે છે તે ખોટું છે. શહેરમાં ટ્રાફિકની સ્થિતિ કાબૂમાં રહે તે માટે પોલીસ પૂરતાં પગલાં ભરે છે.”

(6:31 pm IST)