Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વડોદરામાં અપહરણની સ્ટોરીનું નાટક રચી જિગરી મિત્રએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો !

વડોદરામાંથી 19 વર્ષના યુવાનની હત્યા કરાયેલી લાશ મળવા મામલો પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો:મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું

વડોદરામાં 19 વર્ષીય કોલેજીયન યુવકની કરપીણ હત્યાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી હત્યારાને ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલો એવો છે કે ગત રોજ સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસે આવેલા અલંકાર ટાવરના બેસમેન્ટમાંથી દક્ષ પટેલ નામના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો.જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પોલીસ તપાસમાં દક્ષ પટેલનો હત્યારો ખુદ તેનો ખાસ મિત્ર હોવાનું સામે આવ્યું છે. દક્ષ પટેલના ખાસ મિત્ર પાર્થ કોઠારીએ લવ ટ્રાએન્ગલની આશંકાએ તેના ખાસ મિત્રને મોતને ઘાટ ઉતારી દિધો હતો. જેથી શંકાના આધારે પોલીસે પાર્થ કોઠારીની અટકાયત કરી તેની કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી.

હત્યારા પાર્થ કોઠારીએ તેની કોલેજની મિત્ર સાથેના આડા સબંધની આશંકાએ દક્ષ પટેલને મોતને ઘાટ ઉતારી દીધું હોવાનું સામે  આવ્યું છે. હત્યા કર્યા બાદ પાર્થ કોઠારીએ છરી અને સેન્ડલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે હત્યારાની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે હત્યા કરવા તેણે યુટ્યુબ તેમજ વેબ સિરીઝ જોઈ તાલીમ મેળવી હતી. જેમાં પોલીસ આરોપી સુધી કંઇ રીતે પહોંચે ? શું પુછતાછ કરે તેવી અનેક વાતો યુ-ટ્યુબમાં સર્ચ કરી હતી .અને ત્યાર બાદ ગરબા જોવાના બહાને મૃતક દક્ષ પટેલને સાથે લઈ જઈ હત્યા કરી નાખી હતી.

  પાર્થ કોઠારી અને મૃતક દક્ષ પટેલ ખાસ મિત્ર હોવાથી પાર્થ કોઠારીએ દક્ષ પટેલને જણાવ્યું હતું કે ચાલ ઈન્સ્ટાગ્રામ પર તારા અપહરણની સ્ટોરી બનાવી અપલોડ કરીએ,પાર્થ કોઠારીએ અપહરણના શૂટિંગના બહાને મૃતક દક્ષ પટેલના હાથ પગ બાંધી દઈ અચાનક તેના પેટમાં ઉપરા છાપરી છરીનાં ઘા ઝીંકી દીધા હતા,અને ફરાર થઈ ગયો હતો જેથી સયાજીગંજ પોલીસે સીસીટીવી તેમજ શંકાનાં આધારે પાર્થ કોઠારીની અટકાયત કરતા તેને ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે તેને કોર્ટ માં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(12:52 am IST)