Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વડોદરા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 10 મુસાફરોના કમકમાટીભર્યા મોત

વડોદરા:નજીક બપોરે બાર વાગ્યે દરજીપુરા  હાઇવે   પાસે કન્ટેનર ડિવાઇડર કૂદીને સામેથી આવતા છકડામાં ઘુસી જતા ૧૦ મુસાફરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જ્યારે સાત મુસાફરોને ઇજા પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હરણી પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતકોની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.મોડી સાંજ સુધી પાંચ મૃતકોની ઓળખ થઇ હતી.

આજે બપોરે હાઇવે પર દુમાડ  ચોકડીથી છકડા રિક્ષામાં મુસાફરો બેસાડીને ગોલ્ડન ચોકડી થઇ ડ્રાઇવર વાઘોડિયા ચોકડી તરફ જતો હતો.આજવા ચોકડી પહેલા દરજીપુરા ગામ હાઇવે પાસે સામેથી એક કન્ટેનર ડિવાઇડર કૂદીને સીધું ધડાકાભેર રોંગ સાઇડ  છકડામાં ઘુસી ગયું હતું,અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતની જાણ  ફાયરબ્રિગેડને કરવામાં આવતા સ્થળ પર જઇને પતરા કાપીને મુસાફરોને બહાર કાઢ્યા હતા.ભર બપોરે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો, બે મહિલા સહિત ૧૦ ના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જ્યારે અન્ય ૭ મુસાફરોને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ હરણી પોલીસને કરવામાં આવતા પી.આઇ.એસ.આર.વેકરિયા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.અકસ્માત અંગે  પોલીસે જણાવ્યું હતું કે,સુરત તરફથી એક કન્ટેનર અમદાવાદ તરફ જઇ રહ્યું હતું.તે દરમિયાન કારચાલક સાથે ઓવરટેક કરવાના મુદ્દે સાધારણ ટક્કર વાગી હતી.કાર ચાલકને બચાવવા જતા કન્ટેનરના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.અને કન્ટેનર ડિવાઇડર કૂદીને સામેથી આવતા છકડામાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.હરણી પોલીસે આ અંગે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

(7:21 pm IST)