Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

સરકારી કર્મચારી-અધિકારીઓ સામેની ખાતાકીય તપાસના કેસોનાં નિકાલ માટે હવે લોક અદાલત પદ્ધતિથી કેસ ચાલશે

કર્મચારી પોતાનો કેસ સમિતિ સમક્ષ લઇ જવા નિયત ફોર્મેટમાં અરજી કરી શકશે

અમદાવાદ : ગુજરાત સરકારે સરકારી કર્મચારી-અધિકારીઓ સામે ચાલતી ખાતાકીય તપાસના કેસોનાં ઝડપી નિકાલ માટે હવે લોક અદાલત પદ્ધતિથી કેસ ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે દરેક 26 વિભાગમાં સચિવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ સરકારી કર્મીઓ સામેના ખાતાકીય તપાસનાં કેસોનો ઝડપી નિકાલ કરશે.

સરકારી કર્મચારી-અધિકારીઓ સામેનાં ખાતાકીય તપાસના નિકાલ માટે સામાન્ય વહીવટ વિભાગે માળખું તૈયાર કર્યું છે. આવા કેસો જે- તે વિભાગના શિસ્ત અધિકારી સમક્ષ ચાલતા હોય છે, પરંતુ નાની સજા થાય એવા કેસો માટે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓની સમિતિ બનાવાઇ છે જે લોક અદાલતની જેમ કેસોનો નિકાલ કરશે. કર્મચારી પોતાનો કેસ સમિતિ સમક્ષ લઇ જવા નિયત ફોર્મેટમાં અરજી કરી શકશે. ગંભીર ગુના ન હોય તેવા કેસો સમિતિ ચલાવી શકશે. સમિતિને એવું લાગે કે મોટી સજાની જોગવાઇવાળા કેસ છે, પરંતુ તેમાં નાની સજા થઇ શકે તેમ છે તો તેવા કેસ પણ ચલાવી શકશે.

સમિતિ આ કેસમાં નિર્ણય લઇને તેની જાણ શિસ્ત અધિકારી અથવા ખાતાના વડાને કરશે અને તેમણે અઠવાડિયામાં આદેશ જાહેર કરવાનો રહેશે. નિર્ણય જાહેર કરતા પહેલા સમિતિ તે કર્મચારીની લેખિત સંમતિ મેળવશે અને આ નિર્ણય બાદ કર્મચારી અપીલ કરી શકશે નહીં. જો કોઇ કર્મચારી પોતે સમિતિ સમક્ષ ન જાય પરંતુ સમિતિને જાતે પણ સુઓમોટો કેસ ચલાવી શકશે.

FIR થયા બાદ પોલીસ તપાસ ચાલતી હોય તેમજ એસીબીના કેસો સમિતિ ચલાવશે નહીં, પણ નશાબંધી, જુગાર અને વાહન અકસ્માત જેવા કેસો સમિતિ સમક્ષ ચાલશે. એક જ પ્રકરણમાં એક કરતાં વધુ કર્મચારીઓ સંડોવાયેલા હોય અને તેમની સામે સંયુક્ત ખાતાકીય તપાસનો નિર્ણય લેવાયો હોય તેવા કેસો પણ નહીં ચાલે.

(1:25 pm IST)