Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

GCS હોસ્પિટલ : બાળકીના મોતને લઇને જોરદાર હોબાળો

હોસ્પિટલના ડોકટરો સામે બેદરકારીનો આક્ષેપ : બાળકીના મોતને લઇ હોસ્પિટલના તબીબ સામે બાપુનગર પોલીસ મથકમાં ફરિયાદ : પોલીસે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ,તા.૫ : શહેરના ચામુંડાબ્રિજ પાસે આવેલી જીસીએસએમસી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગઇકાલે રાતે છ વર્ષની માસૂમ બાળકીનું મોત થઇ જતાં પરિવાજનોએ હોસ્પિટલમાં જબરદસ્ત હોબાળો મચાવ્યો હતો. જેને લઇ હોસ્પિટલના સ્ટાફ અને મૃતક બાળકીના પરિવારજનો તેમ જ સગાવ્હાલા વચ્ચે રાત્રે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. બાદમાં બાળકીના પરિવારજનો તરફથી હોસ્પિટલના તબીબ વિરૂધ્ધ બાપુનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેને પગલે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રસ્તુત કેસમાં જીસસીએસએમસી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીથી બાળકીનું મોત થયું હોવાના આક્ષેપો સાથે પરિવારજનોએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી હતી. આ મામલે બાળકીનાં માતા-પિતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાળકીના મોત પાછળ જવાબદાર તબીબ વિરુદ્ધ ફરિયાદ કરી છે. બાપુનગર વિસ્તારમાં આવેલ નવલ શેઠની ચાલીમાં રાજુ યાદવ તેમની પત્ની અને છ માસની દીકરી નેહા સાથે રહે છે અને મિકેનિકનું કામકાજ કરે છે. બુધવારે નેહાને તાવ આવતાં તેને સારવાર માટે કાલુપુર નરોડા રોડ પર આવેલ ચાંમુડાબ્રિજની બાજુમાં જીસીએસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. તબીબે એક દિવસ સુધી નેહાને હોસ્પિટલમાં એડમિટ કરી હતી. ગઇકાલે હોસ્પિટલમાં નેહાનું સારવાર દરમિયાન મોત થયું હતું. રાજુ યાદવે તબીબ અને સ્ટાફના મેમ્બર સાથે માથાકૂટ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી હતી. નેહાનું મોત કેવી રીતે થયું તે હજુ સુધી જાણવા મળી શક્યું નથી, પરંતુ રાજુ યાદવે નેહાના મોત પાછળ જવાબદાર તબીબ વિરુદ્ધમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં તબીબી આલમમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. માસૂમ બાળકી નેહાનું મોત થતાં ગઇકાલે રાજુ યાદવનાં પરિવારજનો અને અડોશપડોશના લોકો પોલીસ સ્ટેશનમાં પણ ઊમટીપડ્યા હતા અને સમગ્ર પ્રકરણમાં ન્યાયિક તપાસની ઉગ્ર માંગણી કરી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ કાર્યવાહી શરૂ કરી છે.

(8:32 pm IST)