Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

અમદાવાદ કોર્પોરેશન તંત્ર હવે સાંજે પણ દબાણ હટાવની કામગીરી કરશેઃ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે નિર્ણય

અમદાવાદ: ઓગસ્ટ મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ તેમ છતાં સ્થિતિ પહેલાં જેવી થઈ ગઈ છે. જેના પગલે AMC હવે બે શિફ્ટમાં એટલે કે સવારે અને સાંજે દબાણ હટાવવાની કામગીરી કરવાનો નિર્ણય કર્યો છે. AMCના સૂત્રોએ જણાવ્યું કે, સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં ચર્ચા કરાઈ કે દબાણ દૂર કરવાનું કામ ફક્ત સવારે અને બપોરે કરવામાં આવે છે અને સાંજે જે સ્ટોલ્સ લાગે છે તેની સ્થિતિ શું છે તેની દેખરેખ માટે કોઈ વ્યવસ્થા નથી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે કહ્યું કે, “વહીવટી વિભાગના ધ્યાનમાં મુદ્દો આવ્યો છે માટે સાંજના સમયે દબાણ હટાવવા માટે એક અલગ ટીમની રચના કરવાનો નિર્ણય લેવાયો છે. સાંજના સમયે ધંધો કરતાં લારી-ગલ્લાવાળા કે જેમના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમને દૂર કરાશે અને સવારે પ્રકારના લારી-ગલ્લાવાળા સામે જે પ્રકારના પગલાં લેવાય છે તેવા લેવામાં આવશે.”

AMCના અધિકારીઓનું કહેવું છે કે, દબાણ હટાવો ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ગુરુવારે AMC શહેરના વિવિધ વિસ્તારમાંથી દબાણો દૂર કર્યા અને ગુલબાઈટેકરા વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી.

AMC ઓગસ્ટ મહિનામાં દુકાનોનું રોડ પર નડતરરૂપ હોય તેવું બાંધકામ તોડી પાડ્યું હતું તેમ છતાં દુકાનદારોએ ફરીથી તે સ્થિતિ ઊભી કરી છે. જેના પગલે AMC ગુરુવારે ફરી એકવાર રોડ સુધી ખેંચવામાં આવેલા મંદિરના શેડ સહિતના આવા દબાણો દૂર કર્યા છે. AMC અધિકારીઓનું કહેવું છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને દૂર કરાયેલા શેડ ફરીથી બનાવાયા હતા. એટલે દબાણો દૂર કરવાની ડ્રાઈવ ફરીવાર શરૂ કરાઈ. જે લારીવાળાઓને હટાવાયા હતા તે પણ રોડ પર ફરી આવી ગયા છે.

(5:24 pm IST)