Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર સુરતની દલિત શિક્ષીકાઅએ પટેલ સાસરીયાના ત્રાસથી હોટલમાં ઝેરી દવા પી લઇને જીવ દીધો

આશિષ ચૌહાણ, અમદાવાદઃ આંતર્જ્ઞાતીય લગ્ન કરનાર સુરતની દલિત શિક્ષિકાએ પોતાના પટેલ સાસરિયાના ત્રાસથી બુધવારે અમદાવાદની કાલુપુર વિસ્તારમાં આવેલ હોટેલમાં ઝેરી દવા ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને મોરબીમાં સિરામિક વર્કર તરીકે કામ કરતા યુવતિના પિતા દિનેશ સોલંકીએ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં યુવતિના પિતાએ જણાવ્યું કે, ‘તેમની દીકરી નયના(26) હાલમાં ગત 14મી મેના રોજ રવી પટેલ નામના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. તેમની જાણ બહાર લગ્ન જયશ્રી પટેલ નામની મહિલાએ ગોઠવ્યા હતા. જોકે અમને પાછળથી ખબર પડી કે અમારી દીકરીએ રવિ સાથે લગ્ન કરી લીધા છે તેથી અમે સુરતમાં રહેતા રવિના ઘરે તેમને મળવા ગયા હતા. જોકે સમયે રવિના સાસરિયાને ખબર પડી કે અમે તો દલીત છીએ જેથી તેમણે ત્યારે મારી દીકરીને ડિવોર્સ આપી દેવા દબાણ શરુ કરી દીધું હતું.’

તેના પિતાએ કહ્યું કે, ‘અમને પાછળથી નયનાએ કહ્યું હતું કે હવે જ્યારે તેમના સાસરિયાને ખબર પડી ગઈ છે ત્યારે તેઓ અને અન્ય સંબંધીઓ તેને દલિત હોવા મુદ્દે ત્રાસ આપી રહ્યા છે અને રવિને છોડી દેવા માટે સતત દબાણ આપી રહ્યા છે.’ સોલંકીએ કહ્યું કે, ‘બુધવારે સવારે અમને કાલુપુર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો અહીંની એક હોટેલમાં અમારી દીકરીએ ઝેર પી લીધું છે અને તેને આસરવા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે પણ તેનો જીવ બચી શક્યો નથી.’

તેમણે વધુમાં કહ્યું કે, ‘જ્યારે અમને નયનાના સસરા દ્વારા હવે જાણ કરવામાં આવી છે કે નયનાએ 22 સપ્ટેમ્બરના રોજ રવિને ડિવોર્સ આપી દીધા હતા.’ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે કાલુપુરની હોટેલમા રવિ અને નયના બંને રોકાય હતા જ્યાં તેણીએ ઝેર ઘોળ્યું હતું. નયનાના દાદા મનજી સોલંકીએ અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, ‘અમારા પરિવારને કોઈ ખબર નહોતી કે ક્યારે તેમના લગ્ન થયા અને કઈ રીતે તેઓ મળ્યા બસ એટલી ખબર છે કે જયશ્રી પટેલ નામની મહિલાએ લગ્ન કરાવી આપ્યા હતા.’

જ્યારે પોતાના મૃત્યુ પહેલાના નિવેદનમાં નયનાએ કહ્યું કે, ‘લગ્ન ગોઠવી આપનાર જયશ્રી પટેલ અને રવિના પેરેન્ટ્સ ઘનશ્યામ તથા દયા કાછડિયાએ રવિથી જુદા થવા અને ડિવોર્સ લેવા માટે તેના પર ખૂબ દબાણ કર્યું હતું જેના કારણે તેણે ઝેર પીધું હતું.’ નિવેદનના આધારે પોલીસ આરોપીઓ વિરુદ્ધ આત્મહત્યા માટે દબાણ કરવા અને ઉકસાવવાના ગુના હેઠળ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે મામલે કેસની તપાસ કરી રહેલા ACP બી.સી. દેસાઈનો સંપર્ક થઈ શક્યો નહોતો.

(5:09 pm IST)