Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

અમદાવાદના આશ્રમ રોડ, સી.જી. રોડ સહિતના વિસ્‍તારોમાં હવે લોકો ફૂટપાથનો પાર્કિંગ તરીકે ઉપયોગ કરવા લાગ્યા

અમદાવાદઃ હાઈકોર્ટની કડકાઈ બાદ પોલીસે અમદાવાદમાં ટ્રાફિકના નિયમન માટે કડક પગલાં ભર્યા હતા. જોકે, સમય જતાં હવે લોકોએ ફરીથી પોતાની મરજી પ્રમાણે રસ્તા પર જ વાહન પાર્કિંગ કરવાનું શરું કરી દીધું છે. બીજી તરફ કેટલાક હોંશિયાર અમદાવાદીઓએ તો ટ્રાફિક પોલીસને મૂર્ખ બનાવતા હોય તેમ પાર્કિગ માટેની જગ્યાઓ શોધી લીધી છે.

અમદાવાદમાં ઓફિસ અને રોજગારની જગ્યાઓ પર વધારે વાહન અને પાર્કિંગની જગ્યા ઓછી હોવાના કારણે લોકોએ હવે ફૂટપાથ પર પાર્કિંગ કરવાનું વધારી દીધું છે. આશ્રમ રોડ, સીજી રોડ વગેરે જગ્યાઓ પર પાર્કિગની જગ્યાઓ ના હોવાના કારણે લોકો ફૂટપાથનો ઉપયોગ કરી રહ્યા છે.

ફૂટપાથ રાહદારીઓ માટે બનાવવામાં આવતી હોય છે જોકે, આ જગ્યાઓ પર હવે વાહન પાર્ક થઈ જતા હોવાના કારણે રાહદારીઓને તકલીફનો સામનો કરવો પડે છે અને તેમણે રસ્તા પર કે સર્વિસ રોડ કે પર ચાલવા માટે મજબૂર બનવું પડે છે.

નો પાર્કિંગ લખ્યું હોય છતાં તે જ જગ્યાએ એ રીતે વાહન પાર્ક કરવામાં આવે છે ટ્રાફિક પોલીસ પણ આ વાહનોને ઉપાડતા જાણે ગભરાઈ રહી છે. ટ્રાફિક ડ્રાઈવના કારણે નાના ધંધા-રોજગારવાળા લોકોને તકલીફ પડી પણ મોટાભાગના લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી છે.

ફૂટપાથની નીચે રસ્તા પર પાર્ક કરવામાં આવેલા વાહનોની જાણ થતાં ટ્રાફિક પોલીસનો ટોઈંગ સ્ટાફ વાહન ઉઠાવવાની કામગીરી કરીને વાહન ચાલકને દંડ ફટકારી રહી છે. પરંતુ રોડને અડીને આવેલી ફૂટપાથ પર પાર્ક કરેલી વાહનોને ટ્રાફિક પોલીસ નજર-અંદાજ કરે છે.

અમદાવાદ પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ ચલાવીને એવી ધાક બનાવી હતી કે અયોગ્ય રીતે વાહન પાર્કિંગ કરનારા લોકો સામે પગલાં ભરવામાં આવશે. જોકે, પોલીસની કાર્યવાહી ઠંડી પડવાની સાથે જ લોકોએ ફરી જૈસે થૈ જેવી માનસિકતા શરુ કરી દીધી છે.

(5:08 pm IST)