Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

શહેરમાં દુકાનોમાં ચોરીઓ કરતી ગેંગ રંગેહાથ ઝડપાઈ

ક્રાઇમબ્રાંચે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી : ૪ લેપટોપ, પાંચ મોબાઈલ ફોન મળી કુલ ૮૭ હજારનો મુદામાલ જપ્ત : રેકી કરી દુકાનોમાં રાત્રિના સમયે ચોરી

અમદાવાદ, તા.૫ : શહેરના જુદા જુદા વિસ્તારમાં દિવસ દરમિયાન રેકી કરી રાત્રે દુકાનોના શટરના નકુચાઓ તોડી દુકાનોમાંથી ચોરીઓ કરતી ગેંગના ત્રણ સાગરિતની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચાર લેપટોપ, ૫ાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૮૭ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછમાં ૫ાંચ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો  હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરમાં વિસ્તારોમાં દુકાનોમાંથી ચોરીના બનાવોને લઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી  હતી, જેમાં અલગ અલગ જગ્યાના સીસીટીવી મેળવી અને તપાસ બાદ પાલડી-અંજલિ ચાર રસ્તા બ્રિજ નીચેથી વિષ્ણુપ્રસાદ ઉર્ફે બંગાલી અર્જુનપ્રસાદ પંડિત (ઉ.વ. ૨૭)(રહે, જીવરાજ બ્રીજ નીચે, ફુટપાથ ઉપર, જીવરાજપાર્ક), મહેશ ઉર્ફે કાલુ જીવાજી ચૌહાણ (ઉ.વ. ૨૫)(રહે, જીવરાજ બ્રીજ નીચે, ફુટપાથ ઉપર, જીવરાજપાર્ક) અને જયેશ વસંતભાઇ દવિઠલાપડા (ઉ.વ. ૪૪)(રહે, એ/૨, કલ્પતરૂ સોસાયટી, વિ-૨, અજય મોદીના મકાનમાં, મીરામ્બિકા સ્કૂલની બાજુમાં, અંકુર ચાર રસ્તા પાસે નારણપુરા)ની ધરપકડ કરી હતી.

       આ ત્રણેય શખ્સો પાસેથી જુદી જુદી કંપનીના ચાર લેપટોપ, ૫ાંચ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૮૭ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપી જયેશ દવિઠલાપડાના દિવસ દરમિયાન દુકાનોની રેકી કરતો હતો અને આરોપી વિષ્ણુપ્રસાદ અને મહેશને ટીપ આપતો હતો. બંને આરોપીઓ રાત્રિના સમયે તક જોઈ તે દુકાનોના શટરનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી મુદ્દામાલની ચોરી અને માલ સગેવગે કરવામાં આરોપી જયેશને મદદ કરતા હતા. આરોપી વિષ્ણુપ્રસાદ અગાઉ બોપલ પોલીસ સ્ટેશનમાં બે વાર, પાલડી, સેટેલાઈટ તથા શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીઓના ગુનાઓમાં પકડાયો હતો અને એકવાર પાસા હેઠળ જેલમાં જઇ આવ્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ જારી રાખી શહેરના અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

(9:20 pm IST)