Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

નર્મદાની સપાટી ૧૩૫.૬૫ મીટરે પહોંચતાં ખુશીનું મોજુ

નર્મદા ડેમમાંથી ૪.૪૭ લાખ ક્યૂસેક પાણી છોડાયું :પાણીની જળસપાટી વધતાં અને સતત ઓવરફ્લોને કારણે સરદાર સરોવર બંધના તમામ પાવર હાઉસ ધમધમતા

અમદાવાદ,તા.૫ ઃ કેવડિયા ખાતે ઉપરવાસમાંથી ભારે આવકને પગલે છેલ્લા ૨૭ દિવસથી નર્મદા ડેમમાં સારી એવી નવા નીરની આવક થઇ રહી છે, જેના કારણે નર્મદા ડેમમાંથી સતત ઓવરફ્લો થઇ રહ્યો છે. નર્મદા ડેમમાં વરસાદી પાણી અને ઉપરવાસના કારણે નવા નીરની આવક વધતાં ડેમની સપાટી ૧૩૫.૬૫ મીટરે પહોંચતાં ડેમની જળસપાટી ફરી એકવાર વધી હતી. તો, પાણીની જળસપાટી વધતાં અને સતત ઓવરફ્લોને કારણે ડેમના તમામ પાવર હાઉસ ધમધમતા બન્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ડેમમાંથી હાલ ૫,૩૪,૨૭૧ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, જેને પગલે ડેમના ૨૧ દરવાજા ખોલીને ૪,૪૭,૪૦૦ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

હાલ ડેમની સપાટ ૧૩૫.૬૫ મીટર ઉપર પહોંચી છે. નર્મદા ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા કેવડિયાનો ગોરા બ્રિજ ફરી પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેથી ગોરા બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. નર્મદા ડેમમાં હાલ ૪૮૦૩.૨૦ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. છેલ્લા ૨૭ દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે ડેમમાંથી સતત ઓવરફ્લો થઇ રહ્યો છે અને તમામ પાવરહાઉસ પણ ધમધમી રહ્યા છે. ડેમના તમામ પાવરહાઉસ ધમધમતા થતાં વીજ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે ત્યારે બીજીબાજુ, નર્મદા ડેમની જળપાટી વધતાં અને ડેમમાં બે વર્ષ સુધી ચાલે એટલો પાણીનો જળસંગ્રહ થતાં ખેડૂતઆલમમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી.

(8:39 pm IST)