Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

આણંદના ચરોતરમાં શાળામાં પીટી શિક્ષકે બે વિદ્યાર્થીઓને લાકડીથી ઢોરમાર મારતા મામલો ગંભીર: વાલીઓની લેખિત ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી

આણંદ: શહેરની ચરોતર મિલ્લત સ્કૂલના પીટી શિક્ષકે આજે બપોરના સુમારે બે વિદ્યાર્થીઓને લાકડીથી ઢોર માર મારતાં સમગ્ર મામલો શહેર પોલીસ મથકે પહોંચ્યો છે જ્યાં પોલીસે લેખિતમાં ફરિયાદ લઈને કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર ઈસ્માઈલનગરના હઝરતઅલી પાર્ક ખાતે રહેતા ફરિયાદી રીઝવાનહુસેન શેખે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેમનો પુત્ર મોહમ્મદફરહાન શેખ ચરોતર મિલ્લત સ્કૂલમાં અભ્યાસ કરે છે. આજે બપોરના સુમારે પાંચમાં ધોરણમાં ભણતા મોહમ્મદરેહાન શેખ સાથે બપોરની રીસેષમાં ઝાડની ડાળીએ હિંચકા ખાતા હતા. દરમ્યાન પીટી શિક્ષક ઈમરાનભાઈ ત્યાં આવી ચઢ્યા હતા અને કાંઈપણ બોલ્યા વગર બંન્ને વિદ્યાર્થીઓની પાછળના ભાગે લાકડીથી બેરહમીપૂર્વક માર માર્યો હતો. જેના કારણે બન્નેને સોળ પડી જવા પામ્યા હતા. વિદ્યાર્થીઓએ સાંજે સ્કૂલ છુટ્યા બાદ ઘરે જઈને માતા-પિતાને ઉક્ત બનાવથી વાકેફ કરતાં જ બન્ને બાળકોના પિતા ચોંકી ઉઠ્યા હતા અને શહેર પોલીસ મથકે આવીને પોતાની લેખિત ફરિયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

(5:51 pm IST)