Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અમદાવાદમાં મકાન ધરાશાયી: મકાન માલિક સહિત ચારના મોત: ચાર ઘાયલ

અમદાવાદમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં 4 વ્યક્તિના મોત નિપજ્યા છે. રેસ્ક્યુ ટીમે મોડી સાંજે વધુ એક વ્યક્તિનો મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢતાં કુલ મૃત્યુઆંક 4ને પહોંચ્યો છે. આ પહેલાં મોડી સાંજે મકાનમાલિક બલદેવસિંહ સુરીનો મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જે મકાન ધરાશાયી થયું તેમાં કુલ 10 પરિવારના અંદાજે 30 જેટલા લોકો ભાડે રહેતા હતા.

મકાનમાં એક ઓરડી દીઠ 2 હજાર 100 રૂપિયાનું ભાડું લેવામાં આવતું હતું. જો કે દુર્ઘટના વખતે કેટલાક લોકો બહારગામ હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો. જો આ લોકો ઘરમાં જ હાજર હોત તો તેઓ પણ દુર્ઘટનાનો ભોગ બની શક્યા હોત. મકાનના કાટમાળ હેઠળ દટાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. બીજી તરફ ઘાયલ થયેલા 4 લોકો એલજી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જેમની હાલત સ્થિર છે.

મામલાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જે મકાન ધરાશાયી થયું તે 100 વર્ષ જુનું હતું. હાલ સ્થાનિકોની મદદથી માનવ સાંકળ રચીને કાટમાળ કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી મકાન સાંકડી ચાલીની અંદર હોવાના કારણે લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશનમાં ઘણી જ મુશ્કેલી પડી હતી. ભીડને કાબુમાં લેવા માટે 100 થી વધુ લોકોનો પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તો તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

(11:45 pm IST)