Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

શ્રાવણના તહેવારો બાદ સિંગતેલના ભાવ ઘટ્યાઃ લૂઝમાં કિલોએ ૧૦નો ઘટાડો

નવરાત્રિ સુધીમાં ભાવ વધુ નીચા જવાની શકયતા

અમદાવાદ તા.૫: ગત માસમાં સિંગતેલના ભાવમાં ડબે વીસ રૂપિયા વધીને ડબો ૧૮૨૦ થી ૧૯૦૦ સુધી પહોંચ્યો હતો. અન્ય તેલના વિકલ્પમાં સિંગતેલનો ભાવ ખૂબ જ ઊચો હોવાથી ઘરાકી જ ન રહેતા આખરે સિંગતેલ મિલરો ઢીલા પડ્યા છે. તહેવારો પૂરા થયાના ૧૫ દિવસ બાદ સિંગતેલના ડબામાં ૨૦ રૂ.ભાવ ઘટાડો થયો છે એટલે કે ડબો ખરીદો તો કિલોએ રૂ.૧.૨૫નો ફરક પડે, પણ લૂઝ તેલ ૧ લિટર ખરીદી કરવામાં આવે તો લિટર દીઠ રૂ.૧૦ ભાવ ઘટાડો થયો છે. જયારે પામ તેલમાં ડબે રૂ.૧૦નો વધારો કર્યો છે.

જન્માષ્ટમીમાં ગૃહિણીઓએ સિંગતેલનો મોંઘો ભાવ ચૂકવીને તહેવારોની ઉજવણી કરી હતી. હવે મેઘરાજાએ મહેર કરતાં સારા વરસાદની અસરના પગલે મગફળીનો પાક વિપુલ પ્રમાણમાં થવાની શકયતાએ લુઝ સિંગતેલનો ભાવ સતત ગગડી રહ્યો છે. તેથી હવે નોરતાના તહેવારોમાં સિંગતેલ સસ્તું થવાની પૂરી શકયતા છે. જેથી ગૃહિણીઓને મોટી રાહત મળશે. બ્રાન્ડવાળાઓએ લૂઝ તેલની ખરીદી અત્યારે બંધ કરી છે, પરંતુ ઓઇલ મિલો ડબાના ભાવ હજુ જોઇએ તેવા ઘટાડતા નથી.

સામાન્ય રીતે રીટેઇલ ઘરાકી એક થી દસ તારીખ સુધીના દિવસોમાં વધારે હોય છે, અને ખાદ્યતેલ બજારને આ દિવસોમાં ઘરાકીનો ટેકો મળતો હોય છે. પણ હાલ ઘરાકી જ ન હોવાથી બ્રાન્ડવાળાઓએ ડબે રૂ.૨૦ ઘટાડયા છે. નવાં ટીન ડબાના ભાવ રૂ.૧૮૬૦-૧૮૮૦ થયા છે. અને પામોલીન તેલના ભાવ ડબાના ૯૭૦-૯૮૦ થયા છે. સિંગતેલનું ઉત્પાદન કરતાં મિલરોએ પણ મંગળવારે લૂઝ સિંગતેલના ભાવમાં રૂ.૨૫ ઘટાડી નાંખ્યા છે. ગત વર્ષે આ દિવસોમાં સિંગતેલના ડબાનો ભાવ રૂ.૧૬૦૦ હતો. જેના કરતા હાલ રૂ.૨૧૦ ઊંચા છે. જયારે પામોલીન તેલ ડબો રૂ.૧૩૦ સસ્તો છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન ૩૦ લાખ ટન થવાની ધારણાના પગલે લૂઝ સિંગતેલ તો તૂટવા લાગ્યું જ છે પરંતુ હવે ડબામાં પણ સતત ઘટાડો શરૂ થશે.

(4:06 pm IST)