Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ઉંઝાના ઉમિયાધામ ખાતે રવિવારે લક્ષચંડી મહાયજ્ઞની ઉછામણીનો અવસર

રાજકોટ, તા. ૫ : શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા આગામી તા.૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન આયોજીત લક્ષચંડી મહાયજ્ઞના આયોજન ભાગરૂપે તા.૮ને રવિવારે ભવ્ય ઉછામણીનો પ્રસંગ ઉંઝા ખાતે રાખવામાં આવેલ છે. જગત જનની ઉમિયા માતાજીનો આ અવસર ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાની તડામાર તૈયારીઓ સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે. આ લક્ષચંડી મહાયજ્ઞમાં વિશ્વભરમાંથી ભાવિક ભકતો દિવ્ય દર્શનાર્થે પધારશે. મહાયજ્ઞમાં મુખ્ય યજમાનની ઉછામણી સાથે વિવિધ ઉછામણીઓ કરવાનું આયોજન ઉંઝા ખાતે રવિવારે રાખવામાં આવેલ છે. જેમાં વિશ્વભરના પાટીદાર દાતાઓ સહભાગી થનાર છે. કડવા પાટીદાર સમાજના દરેક ઘરેથી રૂ.૨૦૦ લક્ષચંડી મહાયજ્ઞની આહુતિરૂપે 'ઘર દીઠ દીવો' હુંડીથી સ્વીકારવામાં આવશે. તેમ યાદીમાં જણાવવામાં આવે છે.

આસ્થાની અભિવ્યકિતના આ અવસરમાં સહભાગી થવા માટે 'ઉમિયાધામ' શ્રી ઉમિયા કેમ્પસ સોલા, અમદાવાદ ખાતે ૫૦૦ કુમાર તથા ૫૦૦ કન્યાઓ માટેની હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષાનું કેન્દ્ર, અતિથિ ભવન, ભોજનાલય, બેંકવેટ હોલ, ઓડીટોરીયમ અતિથિ ભવન, પાર્ટી પ્લોટ વગેરે સુવિધાઓના વિકાસ માટે અમદાવાદને કેન્દ્ર બનાવી સમાજ આગળ વધી રહ્યો છે. આ ઉપરાંત અંબાજી ખાતે વર્તમાન ગેસ્ટ હાઉસ ઉપરાંત ૬૪ રૂમ સાથેનું તમામ સુવિધાઓ સાથેનું બીજુ અદ્યતન અતિથિ ભવન બનાવવામાં આવનાર છે. ગયા વર્ષે ૩૫ કરોડના ખર્ચે હરીદ્વાર ખાતે ઉમિયાધામ આશ્રમ બનાવવામાં આવેલ છે. જેનો લાભ સમાજ લઈ રહ્યો છે તથા શ્રી ઉમિયા માતાજી પથિકાશ્રમ બહુચરાજી ખાતે બનાવવામાં આવેલ છે તથા ઉમિયાધામ ઉંઝા ખાતે પણ અતિથિ ભવનની વિશાળ અને અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ઉમિયાધામ ઉંઝા દ્વારા કડવા પાટીદાર સમાજને ૬૦ કરોડ રૂપિયાથી પણ વધારે સહાય વિવિધ સામાજીક યોજનાઓમાં કરવામાં આવી હોવાનું શ્રી પટેલ સેવા સમાજ રાજકોટના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ)એ યાદીના અંતમાં જણાવ્યુ છે.

(11:59 am IST)