Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મેઘરાજાએ ધરવી દીધા : મોસમનો વરસાદ ૧૦૩.૦ર% સરેરાશ ૩પ ઇંચ

કચ્છમાં ૧રપ.૮૬, દક્ષિણ ગુજરાતમાં ૧૦૩.૦ર, ઉતર ગુજરાતમાં ૮ર.૯પ, મધ્યમાં ૯૮.૪૧, સૌરાષ્ટ્રમાં ૯૪.પ૬ ટકા વરસાદઃ આજે સવારમાં માંગરોળ, મૂળી, ચોર્યાસીમાં અડધો-અડધો ઇંચ : ધ્રોલ, કોટડાસાંગાણી, માતર, કલ્યાણપુર, વિસાવદર, દ્વારકા, ધારીમાં ઝાપટા

રાજકોટ, તા. ૫ :. ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં અવિરત વ્હાલ વરસાવી ધરવી દીધા છે. ગયા વર્ષે રાજ્યનો સરેરાશ વરસાદ ૭૬ ટકા થયેલ. આ વખતે આજે સવાર સુધીમાં ૧૦૩.૦૨ ટકા વરસાદ થઈ ગયો છે. જે ટકાવારીની દ્રષ્ટિએ ૩૫ ટકા જેટલો થાય છે. રાજ્યના તમામ વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. ખેતી માટે ફાયદો થઈ ગયો છે. પીવાના પાણીની પણ નિરાંત થઈ ગઈ છે. નર્મદા ડેમની જળ સપાટી ૧૩૫ મીટરને વળોટી ગઈ છે.

રાજયમાં સૌથી વધુ વરસાદ કચ્છ વિસ્તારમાં પડયો છે. તે ટકાવારીની દ્રષ્ટિએ ૧૨૫.૮૬ ટકા જેટલો થાય છે. ઉત્તર ગુજરાતમાં ૮૨.૯૫ ટકા, મધ્યમાં ૯૮.૪૧ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૩.૦૨ ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રનો વરસાદ ૯૪.૫૬ ટકાએ પહોંચ્યો છે. આજે પણ અનેક વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા છે. હજુ બે ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે.

આજે સવારમાં મેઘરાજાએ ૧૫ તાલુકાઓમાં દર્શન દીધા છે. સવારે ૬ થી ૮માં માંગરોળ (જૂનાગઢ), સુરતના ચોર્યાસી અને ઝાલાવડના મૂળીમાં અડધો-અડધો ઈંચ વરસાદ થયો છે. જાંબુઘોડા, ધ્રોલ, કોટડાસાંગાણી, દસકોઈ, માતર, કલ્યાણપુર, વિસાવદર, ધારી, દ્વારકા, ગણદેવી અને નવસારીમાં હળવાથી ભારે ઝાપટા પડયા છે.

(11:58 am IST)