Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

હાર્દિકના ઉપવાસથી સમાજ ચિંતિત, સરકારને ચિંતા નથી

શત્રુધ્નસિંહા-યશવંતસિંહા હાર્દિક પટેલને મળ્યાઃ હાર્દિકના આંદોલનને યશવંતસિંહા તેમજ શત્રુઘ્ન સિંહાનું સમર્થન : હાર્દિકના અનશન કોંગ્રેસ પ્રેરિત હોવાનો ઇન્કાર

અમદાવાદ, તા.૪: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૧૧મો દિવસ છે,ત્યારે ઉપવાસના સમર્થનમાં આજે ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ શત્રુધ્નસિંહા અને પૂર્વ કેન્દ્રિયમંત્રી યશવંતસિંહા ઉપવાસી છાવણીની મુલાકાતે પહોંચ્યા હતા. હાર્દિકની મુલાકાત બાદ શત્રુધ્નસિંહા અને યશવંતસિંહો જણાવ્યું હતું કે, હાર્દિકના ૧૧ દિવસના ઉપવાસથી સમાજ ચિંતિંત છે પરંતુ સરકારની કંઈ ચિંતા નથી. ખેડૂતોના હિતની અને અનામતની વાત કરતાં હાર્દિકના ઉપવાસના પડઘા માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશભરમાં પડયા છે અને આગામી દિવસોમાં હાર્દિકના ઉપવાસ ગુજરાત સુધી સીમિત નહી રહે. બંને નેતાઓએ દેશમાં હાલ ખેડૂતોની દયનીય અને કફોડી હાલતને લઇ ભારે ચિંતા વ્યકત કરી હતી. ભાજપના દિગ્ગજ નેતા શત્રુધ્નસિંહા અને પૂર્વ નાણાંમંત્રી યશવંતસિંહાએ તેઓ સરકારની નીતિઓનો વિરોધમાં ન હોવાનું અને યુવાધનને મજબૂત કરવા આવ્યા હોવાની સ્પષ્ટતા કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે, તેઓ હાર્દિકના આંદોલનને સમર્થન કરી રહ્યા છે કારણ કે, તેની લડત અને માંગણી વાજબી છે, તે ખેડૂતોનો અવાજ રજૂ કરી રહ્યો છે. અમે હાર્દિકના મુદ્દાઓને સમજવા માટે મુલાકાત લીધી છે. હાર્દિકના ઉપવાસનો પ્રભાવ સમગ્ર દેશમાં પડ્યો છે. સમગ્ર દેશમાં હાર્દિકના ઉપવાસ એક ચર્ચાનો વિષય બન્યો છે  અને તેથી હવે હાર્દિકના ઉપવાસ ગુજરાત સુધી સિમિત નહીં રહે. હાર્દિકના ઉપવાસની અહીંની ભાજપ સરકાર નોંધ લેતી નથી પરંતુ દેશની જનતા બધાથી વાકેફ છે. અમે હાર્દિકને કેટલાક સુચનો આપ્યા છે. ખેડૂતોની લડાઈ સમગ્ર દેશમાં ચાલી રહી છે. બંને નેતાઓએ વધુમાં ઉમેર્યું કે,  હાર્દિક પટેલ આજની પેઢીનો યુવાધન છે. આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન નથી, સર્વદલ પ્રેરિત આંદોલન છે. હાર્દિકની માગો અંગે સરકાર વિચારતી નથી. ખેડૂતોની દયનીય અને કફોડી સ્થિતિ અંગે ભારે ચિંતા થાય છે. જો બીજા રાજ્યમાં ખેડૂતોને દેવામાફી થાય છે તો ગુજરાતમાં કેમ નહી ? હાર્દિક પટેલે ખેડૂતો માટે જે પગલું ભર્યુ છે અને લડત આદરી છે તે ખુબ જ પ્રશંસનીય છે. ગુજરાતના જ ખેડૂતો અંગે પીએમ વિચારતા નથી, તે દુખદ કહેવાય. પાટીદારો સમગ્ર દેશ-દુનિયામાં મોખરે છે અને બધાને સાથે લઇને ચાલનારો સમાજ છે, ત્યારે હાર્દિકે પાટાદાર સમાજની રાહબરી હેઠળ બધાને એક નવી રાહ ચીંધી છે. રાજય સરકારે સમગ્ર મામલે વિચારવું જોઇએ. યશવંતસિંહા ઉપરાંત અન્ય પાર્ટીઓના નેતાઓ પણ પહોંચ્યા છે.

(8:46 pm IST)