Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ખેડૂત વિરોધી ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાના બદલે મળતીયા ઉદ્યોગપતિઓની રૂા. ૫.૫ લાખ કરોડ કરતા વધુ લોનો માફ કરી: પરેશભાઈ ધાનાણીની સટાસટી

સમગ્ર રાજ્યમાં ભાજપ સરકારના શાસનની નિષ્ફળતા ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજીત જનસંપર્ક અભિયાનના ભાગરૂપે આજે ખેડૂત-ખેતી બચાવો અભિયાન અન્વયે રાજય ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા સુરત જિલ્લાના ઓલપાડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતિ: ખેડૂતો વિરોધી હોવાનો આક્ષેપ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો

રાજકોટ તા.૫ : સમગ્ર રાજ્યમાં ભાજપ સરકારના શાસનની નિષ્ફળતા ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજીત જનસંપર્ક અભિયાનના ભાગરૂપે આજરોજ ખેડૂત-ખેતી બચાવો અભિયાન અન્વયે રાજય વ્યાપી ધારણા, રેલી અને દેખાવ યોજીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઇ ધાનાણી આજરોજ સુરત જિલ્લાના ઓલપાડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હાજર રહયા હતા અને ખેડૂતો વિરોધી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે, ખેતી, ગામડા અને ખેડૂત વિરોધી ભાજપ સરકારની નિષ્ફળ નિતીઓના કારણે આજ કૃષિ અને ઋષિનું રાજય એવા ગુજરાતમાં ગરીબ, ગામડાં અને ખેડૂત જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહયા છે. રાજયમાં મોંઘા ખાતર, બિયારણ, દવા તેમજ ખેતીના ઓજારો સતત મોંઘા થયા છે. ખેડૂતોની આવક અડધી થઇ છે. ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ બમણો થયો છે, અને પરિણામે ખેડૂત ચાર ગણાં દેવાના બોજ નીચે દબાયો છે અને વ્યાજકવાદીઓની જાળમાં ફસાયો છે. સરકારી તંત્રની મીઠી નજર તળે જમીન માફીયાઓ જનેતા સમાન જમીન પણ ઝૂંટવી જાય છે. હવે જગતનો તાત જીવન જીવવાની આશ હારીને ક્યાંક આત્મહત્યા કરવા તરફ આગળ વધી રહયો છે. ભાજપના રાજમાં સમગ્ર દેશની સરખામણીએ ખેડૂતને ખેતરમાં સસ્તી, પૂરતી અને નિયમીત વિજળી મળતી નથી. સૌથી મોંઘી વીજળીનો ભાર ગુજરાતના ખેડૂતો ઉપર શુ કામ ? એવો સવાલ શ્રી ધાનાણીએ કર્યો હતો.

શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે, સરકારની નિષ્ફળતાના કારણે રાજયમાં લાખો કરોડો લીટર વરસાદી પાણી દરિયામાં વહી જાય છે. સિંચાઈ યોજનાઓના અભાવે અને કયાંક સિંચાઇની યોજનાઓમાં કેનાલોના અભાવે ખેડૂતના ખેતરમાં ઉભો પાક શું કામ મુરઝાય છે. વરસાદી પાણી દરિયામાં શું કામ વહી જાય છે. એ ગુજરાતનો ખેડૂત સવાલ પૂછે છે. ખેડૂતોની આવક બમણી કરવાના બણગાં ફૂંકતી ભાજપ સરકારે ખેડૂતોની ઉપજ ઉપર સમગ્ર દેશમાં પાંચ ટકા વેટ નાખીને કાળો કર નાખ્યો છે. આમાંથી મુકિત માટે ગુજરાતનો ખેડૂત અવાજ ઉઠાવશે. ખેડૂતો ની જમીનમાં હદ નિશાન માપણી માટે કયાંય હવામાં ઉડીને સેટેલાઇટના માધ્યમથી શેઢાઓ માપવામાં આવ્યા અને એમાં વિસંગતતાના કારણે ગુજરાતના લાખો ખેડૂતો કે શેઢાની તકરાર વધી છે. મા ના જણ્યાં બે ભાઈઓ વચ્ચે પણ વર્ષો સુધી વિવાદ થાય ન્યાય મેળવવામાં બે-બે વીઘા બાપ-દાદાની વારસાઇ જમીનો વેચાઇ જાય છે. આવી કટોકટી ભાજપના રાજમાં પેદા થઈ છે.

શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે, ૯૦ હજાર કરોડ કરતાં વધુના દેવા સાથે ગુજરાતમાં જગતનો તાત જીવન જીવવા માટે સંઘર્ષ કરે છે ત્યારે વ્યાંજકવાદીઓની જાળમાંથી ખેડૂતોને મુક્ત કરાવવા તેઓના સંપૂર્ણ દેવા સરકારે માફ કરવી જોઈએ પરંતુ, ખેડૂત વિરોધી ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાના બદલે એના મુઠ્ઠીભર મળતીયા ઉદ્યોગપતિઓને વિતેલા સાત વર્ષમાં સાડા પાંચ લાખ કરોડ કરતા વધુ લોનો માફ કરવામાં આવી છે. ત્યારે આ ગાંધી અને સરદારનું વારસ એવા ગુજરાતની અંદર પહેલી આઝાદીની લડાઈમાં આ દક્ષિણ ગુજરાતે આગેવાની લીધી હતી કે, બારડોલી સત્યાગ્રહે સમગ્ર દેશમાં ખેડૂતોના સ્વાભિમાનને જગાડવા માટે સફળતા મેળવી હતી અને આવતા દિવસોમાં ગરીબ, ગામડા અને ખેડૂત વિરોધી ભાજપની સરકારને જડમૂળથી ઉખેડી ફેકવા ગાંધીનગરમાં ત્રિરંગો લહેરાવવા ખેતી, ખેડૂત ખેતમજદુરોના અધિકારોના રક્ષણ માટે પરિવર્તન યાત્રાનો પાયો આજ ઓલપાડના પાદરમાં નંખાયો છે ત્યારે આ બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ પણ ગરિબ ગામડા અને ખેતમજદુર લેશે. આ ગરીબ ગામડા અને ખેતમજદુર વિરોધી ભાજપની સરકારને જડમૂળથી ઉખેડી ફેંકો અને આગામી ચૂંટણીઓમાં કમળને કચડીને પોતાના હાથને મજબૂત કરી સત્તા નહીં પણ સ્વાભિમાનની યાત્રાને આગળ ધપાવશે તેવો વિશ્વાસ શ્રી પરેશ ધાનાણીએ વ્યક્ત કર્યો હતો.

(6:55 pm IST)