Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

સુરત:માસ્ક ન પહેરવા મુદ્દે બે બાઈક સવાર મિત્રો પાસેથી 500ની લાંચ લેનાર બે પોલીસ પૈકી એકના જામીન અદાલતે નામંજૂર કર્યા

 

સુરત:શહેરમાંમાસ્ક પહેરવાના મુદ્દે બે મોટર સાયકલ સવાર મિત્રો પાસેથી દંડના નામે 500ની લાંચ લેનાર પુણા પોલીસના બે પૈકી એક આરોપી પોલીસ કર્મચારીએ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ ડી.પી.ગોહીલે નકારી કાઢી છે.

પુણા કેનાલ રોડ પર ગઈ તા.30-7-2021ના રોજ ફરિયાદી તથા તેના મિત્ર કાર્તિક દિયોરા પોતાના મિત્રને મળવા અલગ અલગ મોટર સાયકલ પર જતા હતા.જે દરમિયાન પોલારીસ કોમ્પ્લેક્ષ પાસે ફરિયાદીને તરસ લાગતા પાણી પીતા હતા.જેથી પુણા પીસીઆર-23ની વાનમાં બેઠેલા મુકશે ગામિત તથા  ડ્રાઈવર નિરવ કીરીટે ફરિયાદી તથા તેના મિત્રને માસ્ક ન પહેરેલ હોઈ રૃ.1 હજારનો દંડના નામે દમદાટી આપી હતી.પરંતુ ફરિયાદી પાસે પૈસા ન હોય તેમના કાકાને ફોન કરીને બોલાવતા પીસીઆર વાનમાં બેઠેલા મુકેશ ગામીતે લાયસન્સની માંગણી કરી હતી.પરંતુ તેમની પાસે પણ માત્ર રૃ.200 જ નીકળતાં અંતે 500 લઈને રસીદ આપ્યા વિના આરોપી પોલીસ કર્મચારીઓએ ગેરકાયદે લાંચ લીધી હતી.

આ સમગ્ર ઘટનાનો વીડીયો વાયરલ થતાં પુણા પોલીસના મુકેશ ગામિત તથા નિરવ કીરીટ વિરુધ્ધ એન્ટી કરપ્શન બ્યુરોમાં ગુનો દાખલ થયો હતો. જેથી આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા મૂળ વ્યારા તાલુકાના મગરકુઈના વતની આરોપી મુકેશ રમણ ગામિત (રે.ગીરીરાજ એપાર્ટમેન્ટઅમરોલી)એ આગોતરા જામીન માંગ્યા હતા. જેના વિરોધમાં એપીપી રાજેશ ડોબરીયાએ તપાસ અધિકારી તથા મૂળ ફરિયાદી તરફે આર.બી.મેંદપરાની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીઓએ હોદ્દાનો દુરુપયોગ કરીને ફરિયાદીને માનસિક દબાણમાં લાવીને દંડના સ્વરૃપે 1 હજારની લાંચ માંગીને રૃ.500 રસીદ વગર સ્વીકારી ગેરરીતી આચરી છે.જેમાં આરોપીની સક્રીય ભૂમિકા હોઈ આગોતરા જામીનની માંગ રદ કરવા માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપીની સામેના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કસ્ટડી જરૃરી હોવાનો નિર્દેશ આપી આગોતરા જામીનની માંગ નકારી કાઢી હતી.

(5:58 pm IST)