Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે પર લકઝરી બસમાંથી પોલીસે ચેકીંગ દરમ્યાન 53 જેટલી વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી

 

 ગાંધીનગર:શહેર નજીક આવેલા ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર લકઝરી બસમાં દારૃની હેરાફેરીના કિસ્સા વધ્યા છે ત્યારે ગઈકાલે ચિલોડા પોલીસની ટીમે ચંદ્રાલા પાસે વાહન ચેકીંગ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી બસને ઉભી રાખી તપાસ કરતાં અલગ અલગ ૩૩ પાર્સલની આડમાંથી પ૩ જેટલી વિદેશી દારૃની બોટલ મળી આવી હતી અને દારૃ હરીયાણાના શખ્સે અમદાવાદના વ્યક્તિને મોકલાવ્યો હોવાનું બહાર આવતાં બન્ને સામે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી હતી.     

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમ્યાન આવા જથ્થાને પકડવામાં આવી રહયો છે. ખાસ કરીને છેલ્લા થોડા સમયથી લકઝરી કે એસટી બસમાં મુસાફર કે પાર્સલની આડમાં દારૃની હેરાફેરી વધી છે જેના કારણે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહનચેકીંગમાં હતી તે દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી બસ નં.આરજે-૩૦-પીએ-૩૩૨૧માં તપાસ કરતાં પાછળની ડેકીમાં મુકેલા ૩૩ જેટલા પાર્સલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની પ૩ જેટલી વિદેશી દારૃની બોટલ મળી આવી હતી. જે સંદર્ભે ડ્રાઈવર કંડકટરને પુછતાં હરીયાણાના ગુડગાંવમાં રહેતા હર્ષીત કોષ્ટીએ પાર્સલ અમદાવાદમાં રહેતાં શંકરભાઈ બંસીલાલ કોષ્ટીને પહોંચાડવા માટે મોકલ્યા હતા. હાલ તો પોલીસે બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરીને ૬૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૃ કરી છે. 

(5:55 pm IST)