Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

અન્ન પૃથ્વી પરનો પ્રસાદ છે, એનો બગાડ ન જ કરીએ : રાજેન્દ્ર ત્રિવેદી

ગાંધીનગર જિલ્લામાં અનાજ વિતરણ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષનો અનુરોધ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત યોજાયેલ વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કરેલ તે પ્રસંગની તસ્વીરમાં અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.

રાજકોટ,તા. ૫ : ગાંધીનગરના જાસપુર ગામમાં ગરીબોને રેશનકાર્ડ પર વિનામૂલ્યે અનાજ વિતરણ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અન્નને દેવ અને પૃથ્વી પરનો પ્રસાદ ગણાવી અને બગાડ ન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે મોદી સરકાર અને રૂપાણી સરકારની કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી નિરૂપા ગઢવીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે જાસપુર ખાતે વિધાનસભા અધ્યક્ષશ્રી અને મહાનુભાવોના હસ્તે ૨૫ જેટલા જિલ્લાના લાભાર્થીઓને ૩.૫૦ કિલોગ્રામ ઘઉં અને ૧.૫ કિલોગ્રામ ચોખા મળી ૫ કિલોની અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાસપુર ગામના દીલીપભાઇ અમૃતભાઇ સુવાળીયા સાથે દેશના વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી વાત કરી હતી. તેમના મુખે આ યોજનાન અભિપ્રાય મેળવ્યો હતો.

આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ, કલોલ એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી નવીનભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી ડો. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સૌરભી ગૌતમ , કલોલ પ્રાંત અધિકારીશ્રી એ.ડી.જોષી, કલોલ મામલતદારશ્રી એમ.એમ.પટેલ, કલોલ તાલુકા વિકાસ અધિકારીશ્રી કલ્પેશસિંહ ચાવડા સહિત લાભાર્થીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

(11:49 am IST)