Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

NFSU દ્વારા ફોરેન્સિક અકાઉન્ટિંગ-ફ્રોડ ઇન્વેસ્ટિગેશન, ફોરેન્સિક જર્નાલિઝમ જેવા વિશિષ્ટ કોર્સ શરૂ કરાયા

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી(NFSU) ગાંધીનગર વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી છે. ગુજરાત સ્થિત આ યુનિવર્સિટી પોતાનો વ્યાપ વધી રહી છે અને જુદા-જુદા રાજ્યોમાં તેના ઓફ-કેમ્પસ સેન્ટર ખુલવા જઈ રહ્યાં છે. સાથે જ વર્તમાન સમયની સાથે તાલમેલ થાય તેવા અભ્યાસક્રમ શરૂ કરાયા છે. જેમાં નાણાકીય ઠગાઈ, કૌભાંડથી માંડીને ઓનલાઈન ફ્રોડ વધી રહ્યા છે ત્યારે ફોરેન્સિક અકાઉન્ટિંગથી માંડીને ફ્રોડ ઇન્વેસ્ટિગેશન અને ફોરેન્સિક જર્નાલિઝમ જેવા વિશિષ્ટ કોર્સ આ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં લખનૌ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સિસનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે કર્યું હતું. જેમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિ ડો. જે. એમ. વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
  આ અંગે વિગતો આપતા કેમ્પસ ડાયરેક્ટર ડો. એસ. ઓ. જુનારેએ જણાવ્યું હતુ કે આ યુનિવર્સિટી ખાતે કુલ 12 જુદી-જુદી સ્કૂલમાં 69 કોર્સ ભણાવવામાં આવે છે. વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવતી આ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે વિદેશથી પણ વિદ્યાર્થીઓ આવી રહ્યાં છે અને જુદા-જુદા કોર્સમાં જોડાઈ રહ્યાં છે.
  સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના એસોસિએટ ડીન ડો. હરેશ બારોટે જણાવ્યું કે આ સ્કૂલમાં વિશિષ્ટ એવા સાત કોર્સ ચાલી રહ્યાં છે. જેમાં એમબીએ ઇન ફોરેન્સિક અકાઉન્ટિંગ એન્ડ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન, એમબીએ ઇન સાયબર સિક્યોરિટી મેનેજમેન્ટ, એમબીએ ઈન હોસ્પિટલ એન્ડ હેલ્થકેર મેનેજમેન્ટ, બીબીએ-એમબીએનો પાંચ વર્ષનો ઇન્ટેગ્રેટેડ કોર્સ, એમબીએ ઈન બિઝનેસ ઇન્ટેલિજન્સ, એક્ઝિક્યુટિવ એમબીએ અને પી.જી.ડિપ્લોમા ઈન ફોરેન્સિક જર્નાલિઝમનો સમાવેશ થાય છે.  વધુ માહિતી માટે ડો. હરેશ બારોટ (મોં,-9825020196) નો સંપર્ક સાધી શકાય છે

(11:06 am IST)