Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

એટીએમમાં ઠગાઈ કરતી ગેંગની કરતૂત CCTVમાં કેદ

ત્રણેય શખ્સોએ અનેક લોકોને મદદના નામે છેતર્યા : સીસીટીવી સામે આવતા પોલીસને એક આરોપીની ઓળખ થતા ગોવિંદવાડી પાસેથી સમગ્ર ગેંગની ધરપકડ કરી હતી

અમદાવાદ,તા.૪ : એટીએમમાંથી પૈસા કાઢવામાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતવું જરૂરી છે. કારણ કે તમે મદદ લેવામાં લૂંટાઈ શકો છો. આવા જ ગુનાઓને અંજામ આપનાર ગેંગ પોલીસ સંકજામાં આવી ગઈ છે. મદદના નામે એટીએમ કાર્ડ બદલીને ઠગાઈ કરતી ગેંગના ત્રણ લોકોને ઈસનપુર પોલીસે ઝડપી પાડી એટીએમ ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલયો છે. ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ જેવી રાણા, પીએસઆઇ ડીજે લકુમની ટીમે શ્યામ રાઠોડ, સમસુદ્દીન મન્સૂરી અને સતીશ રાઠોડ નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્સોએ શહેરના અનેક લોકોને મદદના નામે છેતર્યા છે. થોડા દિવસો પહેલા ઘોડાસર વિસ્તારમાં એટીએમમાં પૈસા જમા કરાવવા ગયેલા મહિલાને ખાતામાં પૈસા જમા ન થતા પાછળ ઊભેલા વ્યક્તિએ મદદ કરવાનું કહીને એટીએમ કાર્ડ બદલી ૪૦ હજારથી વધુ રકમ ઉપાડી ઠગાઈ કરી હતી. જેના સીસીટીવી સામે આવતા પોલીસને એક આરોપીની ઓળખ થતા ગોવિંદવાડી પાસેથી સમગ્ર ગેંગની ધરપકડ કરી હતી. આરોપીઓની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો અલગ અલગ વિસ્તારમાં એટીએમ પાસે ઊભા રહીને વૃદ્ધો કે મહિલાઓ જે એટીએમમાં પૈસા કાઢવા કે જમા કરાવવા જાય તો તેની પાછળ જઈને પીન નંબર જોઈ લેતા હતા.

        આ દરમિયાન મદદ કરવાનું કહીને જે તે વ્યક્તિનું ઓરીજીનલ એટીએમ કાર્ડ લઈ લેતા હતા અને તેના જેવું કાર્ડ આપી રવાના કરી દેતા હતા. બાદમાં જે તે વ્યક્તિના ઓરીજીનલ એટીએમ કાર્ડમાંથી પૈસા કાઢી લઈ લોકોના નાણાં પડાવી લેતા હતા. એટલું જ નહીં, ગઠિયા જે ભળતું કાર્ડ વ્યક્તિઓને આપતા હતા તે અગાઉ કોઈ સાથે ઠગાઈ કરી હોય તેનું કાર્ડ આપતા હતા. આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓએ આ રીતે અનેક લોકોના એટીએમ કાર્ડ બદલી ખાતામાંથી પૈસા ઉપાડી છેતરપિંડી આચરી ચૂક્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે ૧૩ એટીએમ કાર્ડ, ૪૦ હજાર રોકડ અને ૪ મોબાઈલ અને ઓટો રિક્ષા સહિત ૧.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી ૪ ગુનાનો ભેદ ઉકેલયો છે. હાલ ઇસનપુર, કાગડાપીઠ અને માધુપુરા વિસ્તારમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપી શ્યામ અને સમસુદ્દીને અમદાવાદ શહેર સિવાય બાવળા, નડીયાદ તેમજ કલીકુંડથી અને ચાંગોદરથી આ પ્રકારે લોકોના એટીએમ કાર્ડ બદલીને પૈસાની ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું છે.

(8:59 pm IST)