Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સેબીના ચેરમેન અજય ત્યાગીની મુદત દોઢ વર્ષ લંબાવાઈ

અગાઉ ફેબ્રુઆરીમાં મુદત પુરી થતા છ મહિના વધારી દીધી હતી હવે વધુ 18 મહિના લંબાવાઈ

 

ગાંધીનગરઃ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા (SEBI) નાં ચેરમેનની મુદ્દત ફેબ્રુઆરી 2022 સુધી વધુ 18 મહિના માટે લંબાવવામાં આવી છે. તેમનો કાર્યકાળ ઓગસ્ટ 2020માં પૂરો થવાનો હતો. પરંતુ એપોઇન્મેન્ટ કમિટીએ તેમની મુદ્દત ફેબ્રુઆરી 2022 સુધી લંબાવી દીધી છે.

હિમાચલ પ્રદેશ કેડરનાં 1984ની બેંચનાં નિવૃત્ત સનદી અધિકારી અને સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા (SEBI) નાં ચેરમેન અજય ત્યાગી ની મુદ્દત કેન્દ્ર સરકારે વધુ 18 મહિના માટે લંબાવી દીધી છે. SEBI નાં ચેરમેન નિવૃત્ત સનદી અધિકારી અજય ત્યાગી 1લી સપ્ટેમ્બર 2020થી ફેબ્રુઆરી 2022 સુધી SEBIનાં ચેરમેન તરીકે યથાવત રહેશે. SEBIનાં ચેરમેન અજય ત્યાગીની ફેબ્રુ. 2020માં તેમની ચેરમેન તરીકેની મુદ્દત પૂરી થઇ રહી હતી. પરંતુ તે વખતે સરકારે તેમને 6 મહીનાની મુદ્દત વધારી આપી હતી. હવે વધુ દોઢ વર્ષ માટે ચેરમેન તરીકેની મુદ્દત વધારી દીધી છે.

અજય ત્યાગી ફેબ્રુઆરી 2017માં SEBIનાં ચેરમેન તરીકે નિયુક્તિ થઇ હતી. તેમને SEBIનાં તત્કાલીન ચેરમેન યુ.કે સિન્હા પાસેથી ચાર્જ સંભાળ્યો હતો. નિવૃત્ત સનદી અધિકારી અજય ત્યાગી મૂળ ઉત્તર પ્રદેશનાં છે અને તેમને અર્થશાસ્ત્ર વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને માસ્ટર ઇન ટેક્નોલોજી કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી પણ ધરાવે છે.

(11:48 pm IST)