Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રી સહીતના સામેનો કેસ ડિસ્ચાર્જ કરવા હુકમ : હુકમ સામે ઉચ્ચ અદાલતમાં જવા કોર્ટે એક મહિના સુધી મનાઈહુકમ આપ્યો

વીજ થાંભલા પર કિઓસ્ક લગાવી જાહેરાત સમાન હક્કથી લગાવવા તકરાર હતી

અમદાવાદ: વડાપ્રધાન મોદી સામે 2014ની લોકસભાની ચૂંટણીમાં વડોદરા મતક્ષેત્રમાંથી ઝૂંકાવનારા કોંગ્રેસના પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રી સહિતના અન્ય આરોપીઓ સામેનો કેસ સિવિલ જજ કે.એચ.માખીજાએ ડિસ્ચાર્જ કરવાનો હુક્મ કર્યો છે. આ હુક્મ સામે ઉચ્ચ અદાલતમાં જવા માટે કોર્ટે એક મહિના સુધી એટલે કે 5મી સપ્ટેમ્બર સુધી હુક્મ સામે મનાઇ હુક્મ આપ્યો છે.

સન 2014ની લોકસભાની સામાન્ય ચૂંટણી વખતે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્ટ્રીક પોલ ( થાંભલા ) ઉપરના કિઓસ્ક પર જાહેરાત તમામ ઉમેદવારોને સમાન હક્કથી લગાવવા દેવાના મામલે તકરાર થઇ હતી.તે સમયે વડોદરા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મધુસુદન મિસ્ત્રી હતા.તે સમયે તેઓ રાજયભાના સભ્ય હતા અને  મોદી સામે લોકસભાની બેઠક માટે ઉમેદવારી કરી હતી.વડોદરા મહાનગરપાલિકાના મોટા રોડ પર સેન્ટ્રલ ડિવાઇડર પર લાગેલા ઇલેક્ટ્રીક થાંભલા કે જેની ઉપર કીઓસ્ક લગાવી જાહેરાત કરવાનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપ્યો હતો.

ચૂંટણી પંચના નિયમો અનુસાર આવા થાંભલા પરના કીઓસ્ક ઉપર જાહેરાત લગાવવા માટે સમાન તક ઉમેદવારોને આપવામાં આવે તેમ જણાવ્યું હતું.છતાં પણ કોંગ્રેસના ઉમેદવાર મધુસુદન મિસ્ત્રીની જાહેરાતો લગાવવા દીધી ન હતી.જેથી મધુસુદન મિસ્ત્રી તથા કોંગ્રેસના આગેવાન કાર્યકરોએ જાતે જ આવા ઇલેકટ્રીક પોલ ઉપરના કીઓસ્ક સુધી સીડી મૂકીને પોતાની જાહેરાત લગાવવાના પ્રયાસો કર્યા હોવા અંગેની ફરિયાદ રાવપુરા પોલીસ દ્રારા મધુસુદન મિસ્ત્રી સહિત 20 જણાં સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ કેસની ચાર્જશીટ પોલીસ દ્રારા કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.ત્યારે મધુસુદન મિસ્ત્રી, નરેન્દ્ર રાવત, હરીશ વાઘેલા, રમેશ ઠાકોર, ભીખાભાઇ રબારી વગેરેએ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી.

આ અરજી પરની સુનાવણી દરમિયાન એડવોકેટ કમલ પંડયા તથા અન્ય વકીલોએ કોર્ટમાં એવી દલીલો કરી હતી કે, જે ફરિયાદી દ્રારા ગુનો નોંધવામાં આવ્યો છે તે જ ફરિયાદી અધિકારી કેસની તપાસ કરી શકે નહીં.આ સંબંધમાં સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓ ટાંકયા હતા.વધુમા એવી પણ દલીલ કરી હતી કે, જયારે ગુનો દાખલ કર્યો તે સમયે મધુસુદન મિસ્ત્રી રાજયસભાના સભ્ય હતા. તેવા સંજોગોમાં તેમની સામે ફરિયાદ દાખલ કરતા પહેલાં રાજયસભાના અધ્યક્ષની મંજુરી જરૂરી છે.તે લીધા સિવાય ફરિયાદ દાખલ થઇ શકે નહીં. તેમ જ વડોદરા મહાનગપાલિકાના ઇલેક્ટ્રીક પોલ ઉપર લાગેલા કીઓસ્ક એ સરકારી માલિકીના નહીં પણ ખાનગી કોન્ટ્રાકટરની માલિકીના હતા.

જે પબ્લીક પ્રોપર્ટી ગણાય નહીં. જેથી પબ્લિક પ્રોપર્ટી ડેમેજ થઇ હોવાનું ગણી શકાય નહીં.પક્ષકારોની રજૂઆત બાદ સિવિલ જજે ઉક્ત હુક્મ કર્યો હતો.આ હુક્મ સામે ઉપલી અદાલતમાં અપીલ કરવી હોવાથી હુક્મ સામે મનાઇહુકમ આપવાની સરકારી વકીલે અરજી કરી હતી.કોર્ટે આ હુક્મને 5મી સપ્ટેમ્બર સુધી સ્થગિત રાખવાનો હુક્મ કર્યો હોવાનું એડવોકેટ અને વડોદરા શહેર કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ અમીને જણાવ્યું છે.

(10:06 pm IST)