Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

વલસાડની જાણીતી ડોક્ટર હાઉસ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લાગ્યા: પોલીસ દોડી આવી

-ડોક્ટર હાઉસ જેવી જાણીતી હોસ્પિટલ દ્વારા હજારોના ઇન્જેક્શનો ગાયબ કર્યા હોવાના મૃતકના પરિવારજનોના ગંભીર આક્ષેપોને કારણે ચકચાર

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડની જાણીતી ડોક્ટર હાઉસ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે. ડોકટર હાઉસ હોસ્પિટલમાં 31 તારીખે દાખલ કરેલ એક દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારજનોએ ધમાલ મચાવી હતી. પરિવારજનો એ દર્દીના મોત બાદ હોસ્પિટલ અને તબીબો પર ગંભીર આક્ષેપો  લગાવ્યા હતા. જો મૃતકના પરિવારજનો નું સાચું માનીએ તો.તેમનાં સ્વજનને 31 તારીખે ડોક્ટર હાઉસ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અને સારવાર દરમિયાન હોસ્પિટલ દ્વારા દર્દીના સ્વજનો પાસે થી 8000 ના 6 ઇન્જેક્શનો મંગાવવામાં આવ્યા હતા.આટલા મોંઘા ઇન્જેક્શનો પણ પરિવારજનોએ લાવી હોસ્પિટલમાં આપ્યા હતા. પરંતુ હોસ્પિટલ દ્વારા દર્દીને માત્ર 3  જ ઇન્જેક્શનો આપ્યા હતા જ્યારે બાકીના ઇન્જેક્શનો ગાયબ હોવાના આક્ષેપો પરિવારજનો કરી રહ્યા છે.

  જોકે સૌથી વધુ ગંભીર બાબત એ છે કે  દર્દીની હાલત વધારે ગંભીર થાય બાદ હોસ્પિટલ દ્વારા દર્દીના સ્વજનો  પાસેથી 40 હજાર વાળું ઈન્જેક્શન મંગાવવા માં આવ્યું હતું.આથી દર્દીના સ્વજનોએ સુરત સુધી  દોડ લગાવી અને 40 હજાર ખર્ચી ઇન્જેક્શન લાવી અને હોસ્પિટલમાં આપ્યું હતું.  પરંતુ આ 40,000 વાળુ ઇન્જેક્શન પણ  હોસ્પિટલ દ્વારા દર્દીને આપવામાં આવ્યું ન હોવાના પરિવારજનો સનસનીખેજ આક્ષેપ કરી રહ્યા છે.  આજે એક અઠવાડિયાની સારવાર માં હજારો રૂપિયા ખર્ચ્યા બાદ પણ  પોતાના સ્વજનનું હોસ્પિટલમાં જ મોત થતાં પરિવારજનો ચોંકી ગયા હતા. અને 8000 ના 6 ઇન્જેક્શન લાવી અને આપ્યા અને ત્યારબાદ કોરોના ની સારવાર માટે રામબાણ ગણાતું 40,000 વાળુ ઇન્જેક્શન પણ લાવી અને હોસ્પિટલમાં આપ્યું હતું.પરંતુ હોસ્પિટલ દ્વારા તેમનાં સ્વજનને ઈન્જેક્શન આપવામાં ન આવ્યુ  હોવાથી અને હોસ્પિટલના તબીબોની ગંભીર બેદરકારીને કારણે તેમના સ્વજનો મોત થયું હોવાના પરિવારજનોએ આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો

 . રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ પર રોષ ઉતાર્યો હતો. આથી એક  સમયે મામલો ગરમાતા હોસ્પિટલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.જાણ થતા જ  વલસાડ પોલીસનો કાફલો હોસ્પિટલ પર પહોંચી અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા. આમ  ડોક્ટર હાઉસ જેવી જાણીતી હોસ્પિટલ દ્વારા  હજારોના ઇન્જેક્શનો ગાયબ કર્યા હોવાના મૃતક ના પરિવારજનો ના  ગંભીર આક્ષેપોને કારણે ચકચાર મચી ગઇ છે. આમ હોસ્પિટલ દ્વારા ભૂલ થઈ હોવાનું પરિવારજનો સમક્ષ હોસ્પિટલના તબીબોએ સ્વીકાર પણ કર્યો હોવાના પણ પરિવારજનો દાવા કરી રહ્યા છે. જોકે હોસ્પિટલ પર  થયેલા આક્ષેપો અંગે હોસ્પિટલ સત્તાવાળાઓ અત્યારે કંઈ કહેવા તૈયાર નથી.

(7:11 pm IST)