Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ગાંધીનગર સે-16માં ઉભરાતી ગટરના ગંદા પાણી ઠેર ઠેર ઉભરાતા લોકોના સ્વાસ્થ્યને જોખમ

ગાંધીનગર: શહેરના સેક્ટર-૧૬માં આવેલી ફુડકોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી વહી રહ્યાં છે. જેના પગલે ખાણી-પીણીની મઝા માળવા આવતાં નગરજનોને દુર્ગંધ યુક્ત વાતાવરણનો સામનો કરવો પડે છે. અવાર નવાર વેપારીઓ દ્વારા પણ તંત્ર સમક્ષ રજુઆતો કરવા છતાં લીકેજ થતી ગટરોને બંધ કરવામાં આવતી નથી અને સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઉભું થાય તેવી પરિસ્થિતિ નજરે પડી રહી છે.

શહેરના રહિશોને ખાણી-પીણીની યોગ્ય સુવિધા પ્રાપ્ત થઇ શકે તે માટે તંત્ર દ્વારા સેક્ટર-૧૬માં ફુડકોર્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં અનેક પ્રકારની ખાણી-પીણીની દુકાનો આવેલી છે. નગરજનો અવાર નવાર ચટાકેદાર વાનગીઓ આરોગવા માટે ફુડકોર્ટની મુલાકાત લે છે. વિસ્તારનો યોગ્ય વિકાસ થાય તે માટે તંત્ર દ્વારા કોઇ પ્રકારનું આયોજન હાથ ધરવામાં નહીં આવતાં વેપારીઓને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને વેપાર કરવો પડી રહ્યો છે. ઉભરાતી ગટરો વેપારીઓ અને ફુડકોર્ટની મુલાકાતે આવતાં લોકો માટે પણ માથાના દુઃખાવા સમાન બની જવા પામી છે. વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ઉભરાઇ રહ્યાં છે. જેના પગલે મચ્છરોના ઉપદ્રવમાં પણ વધારો થઇ રહ્યો છે. દુર્ગંધ યુક્ત વાતાવરણના કારણે ઘણી વખત નગરજનો પણ આરોગ્યની તકેદારીને ધ્યાને રાખી ચીજવસ્તુઓને આરોગવાનું ટાળી રહ્યાં છે. તો બીજી તરફ અવાર નવાર પ્રકારની સમસ્યા ઉભી થતી હોવા છતાં તંત્ર દ્વારા તે અંગે કોઇ યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતાં વેપાર કરતાં વેપારીઓ અને ખાણી-પીણી માટે આવતાં નગરજનોના આરોગ્ય સામે પણ જોખમ ઉભું થઇ રહ્યું છે

(6:14 pm IST)