Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સુરત મહાનગર પાલિકાએ રાજ્‍ય સરકારને પત્ર પાઠવ્‍યોઃ કોરોના મહામારી પાછળ 128 કરોડના ખર્ચની જરૂરિયાતઃ વધારાના ભંડોળની માંગણી

સુરતઃ કોરોનાનો ખતરો દરરોજ વધી રહ્યો છે, જેની સામે લડવા માટે સરકાર અને સ્થાનિક તંત્રએ દરરોજ કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે. મનપાએ ડિસેમ્બર સુધીમાં કોરોનાની મહામારી પાછળ રૂ. 128 કરોડનાં ખર્ચનાં અંદાજનો પત્ર લખવામાં આવ્યો છે.

સુરતમાં કોરોનાની મહામારી દરરોજ વધી રહી છે. ખાસ કરીને જ્યારે મોટી સંખ્યમાં કેસોને શોધવા, તેમની સારવાર કરવાની કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને એક પત્ર લખી જો ડિસેમ્બર 2020 સુધી કોરોનાની સામે લડત ચાલુ રાખવી હોય તો અંદાજે રૂ. 128.36 કરોડથી વધુનો ખર્ચ થાય તેવી શકયતા વ્યક્ત કરી છે. આમ એક રીતે કહીએ તો સરકાર પાસે આટલા રૂપિયાની માંગણી કરી છે. વધારાના ભંડોળની માંગ કરી છે.

મહત્વનું છે કે અત્યાર સુધીમાં મનપાએ આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિ માટે રૂ. 37નો કરોડ ખર્ચ કર્યો છે. સુરતમાં કોવિડ-19 કેન્દ્રો અને કોવિડ-19 હોસ્પિટલો બનાવી છે. 27મી જુલાઈનાં પત્રમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં એડિ ચીફ સેક્રેટરીને પત્ર લખ્યો છે.

રાજ્ય સરકાર તરફથી સુરત મનપાને 43 કરોડનું ફંડ આપવામાં આવ્યું છે

રાજ્ય સરકાર તરફથી સુરત મનપાને 43 કરોડનું ફંડ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ અનુદાન તથા સુરતના નાગરિકો અને સંસ્થાઓ દ્વારા પણ કોરોનાની મહામારી સામે લડવા અનુદાન આપવામાં આવ્યું છે. પાલિકાએ અત્યાર સુધીમાં રૂ. 37 કરોડનો ખર્ચ કર્યો છે. મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકાએ રાજ્ય સરકારે આપેલા રૂ.43 કરોડના ફંડ પૈકી 11.86 કરોડ સ્મિમરે ખાતે આવેલા મલ્ટીલેવલ પાર્કિગમાં બનાવવામાં આવેલી કોવિડ હોસ્પિટલ માટે ખર્ચ્યા છે. રૂ. 8.48 કરોડ દવાઓ માટે મેડિકલ સ્ટોર પાછળ ખર્ચ કર્યા છે.

મનપાએ આ ઉપરાંત 16.68 કરોડ રૂપિયા ખાનગી હોસ્પિટલ સાથે કરાયેલા એમઓયુ, કોવિડ સેન્ટરો અને કોવિડ હોસ્પિટલ બનાવવામાં, કોરોન્ટાઈન વિસ્તારોમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે તથા જે 50 ખાનગી હોસ્પિટલ સાથે એમઓયુ કર્યા છે, ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓના બિલની ચુકવણી કરવા પાછળ ખર્ચ કર્યા છે.

બંછાનિધિ પાનીએ આ અંગે જણાવ્યું હતું કે, “આ પત્ર સરકારને એક અંદાજીત ખર્ચની જાણકારી આપવા માટે લખાયો છે. હાલમાં 2020-21 સુધીનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં પાલિકાની આવક કોરોનાની મહામારીને કારણે ઘટી છે. મહાનગરપાલિકાના આવકના જે સ્ત્રોત છે તેમાં વિવિધ વેરા, FSIની ચુકવણી, ઈકટ્રોય સામેની ગ્રાન્ટ તથા પ્રોપર્ટી ટેક્સ છે. ડિસેમ્બર સુધી કોરોનાની લડાઈ લડાવી હોય તો ફાઇનાન્સિયલ મેનજમેન્ટ કરવું પડતું હોય છે. જેથી સરકારને આ પત્ર લખાયો છે. સમયાંતરે સરકાર દ્વારા ફંડ આપવામાં આવે છે એટલે માંગણી કરવાની વાત ખોટી છે.

(5:26 pm IST)