Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અયોધ્‍યામાં શ્રીરામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમ દેશવાસીઓ માટે કોઇ ઉત્‍સવથી ઓછો નથીઃ મંદિરોમાં રામધૂનના નાદ ગુંજ્‍યા

અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનમાં હવે ગણતરીનો સમય બાકી છે. દેશ નહિ, પરંતુ સમગ્ર દુનિયા આ સમયની રાહ જોઈને બેસી હતી. દેશવાસીઓ માટે આ ક્ષણ કોઈ ઉત્સવથી ઓછી નથી. દેશભરમાં વિવિધ રીતે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તેમાં ગુજરાતીઓ પણ બાકાત નથી. ગુજરાતમાં પણ આજે સવારથી રામ મંદિર ભૂમિ પૂજન માટે અનેરો માહોલ છે. મંદિરોમાં રામધૂન બોલાવાઈ રહી છે, તો અનેક સ્થળોએ ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલું સૌથી જુના રામ મંદિરમાં પણ આજે સવારથી જ લોકોની ભીડ જોવા મળી છે. મંદિરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ મંદિરમાં ભજન મંડળીઓની જમાવટ જોવા મળી રહી છે વાતાવરણ સવારથી શ્રી રામના જય જયકારથી ગુંજી રહ્યું છે. રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ પણ સતત ચાલુ છે.

અમદાવાદના પાલડી ખાતે આવેલા શ્રી રામજી મંદિર, કૌશલેન્દ્ર મઠ ખાતે હર્ષોઉલ્લાસનો માહોલ જોવા મળ્યો છે. જગદગુરુ શ્રી રામાનંદાચાર્ય સ્વામી રામાચાર્યજીએ અયોધ્યામાં ભૂમિપૂજન પ્રસંગે ખુશી વ્યક્ત કરી છે. આજના ઐતિહાસિક પ્રસંગે રામધૂન, સુંદરકાંડના પાઠ તેમજ ભગવાન રામની સાધુ સંતો અને ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા છે. વર્ષો જૂનું દેશવાસીઓનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, ત્યારે સાધુ સંતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે.

રામ મંદિર ભૂમિ પૂજનને લઈ વડોદરામા ઉત્સવ જેવો માહોલ છે. શહેરમા ઠેર ઠેર ઉજવણીના કાર્યક્રમો યોજાયા છે. કડક બજાર ના વેપારીઓ અને અગ્રસેન યુવા સંગઠને અનોખી રીતે ઉજવણીક રી છે. 1100 લાડુનુ વિતરણ કરી ઉત્સવનુ આયોજન કર્યુ છે. લોકોને લાડુ ખવડાવી મોં મીઠુ કરાવી ઉજવણી કરવામાં આવી રહી છે. તો આ પ્રસંગે સાંસદ રંજન ભટ્ટ પણ હાજર રહ્યા હતા.

(5:24 pm IST)