Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભયારણ્‍યમાં આવેલા એક સાથે 300 વાંસના ઝાડ સુકાઇ જતા અનેક તર્ક-વિતર્ક

પંચમહાલ: જાંબુઘોડા અભયારણ્યમાં આવેલા સાદડા વન વિસ્તારમાં અંદાજીત 300 જેટલા વાંસ એક સાથે સૂકાઈ ગયા છે. એક સાથે જંગલમાં આટલી મોટી સંખ્યામાં વાંસ સૂકાઈ ગયા એ બાબત આમ તો અચરજ પમાડે એવી છે. અનેક તર્ક વિતર્ક વચ્ચે જંગલમાં આવેલ આ કુદરતી પરિવર્તને જાંબુઘોડા સહીત વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ આ વિચિત્ર ઘટના પાછળ શું રહસ્ય છે તે જાણીએ.

વાંસ પાણી કે જાળવણીના અભાવે સુકાઈ ગયા એવું નથી, પણ વાંસની આ પ્રજાતિનું આયુષ્ય 35 થી 40 વર્ષનું જ હોય છે. જેમાં પણ આ પ્રજાતિને 40 વર્ષે ફૂલ આવતાં હોય છે. જેના બાદ સુકાઈ જતાં હોય છે. જોકે જેના બાદ ફૂલમાંથી બી નીચે પડતા મોટી સંખ્યામાં નવા છોડ પણ તૈયાર થતાં હોય છે.

પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે અને આવું જ એક રહસ્યમય પરિવર્તન જાંબુઘોડાના અભ્યારણ્યમાં જોવા મળ્યું છે. જાંબુઘોડા અભ્યારણ્યમાં આવેલ વાંસના 300થી વધુ ઝાડ એક સાથે સુકાઈ જવાની ઘટના બની છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે 13 હજાર હેકટરમાં જંગલ વિસ્તાર પથરાયેલો છે. આ જંગલમાં અનેક પ્રકારના વૃક્ષો આવેલા છે. ખાસ વાત તો એ છે, ગુજરાત રાજ્યમાં આવેલા અભયારણ્યમાં એક માત્ર જાંબુઘોડા અભયારણ્ય જ માનવ વસ્તી જંગલમાં ધરાવતું હોય એવું અભયારણ્ય છે. જાંબુઘોડાના અભયારણ્યમાં વાંસ સહિત વિવિધ પ્રકારની પ્રજાતિના વૃક્ષો આવેલા છે. વાંસ થકી લોકો ટોપલા, ઘરને ફરતે વાડની આડશ ઉભી કરવા જેવી વસ્તુઓ બનાવવા ઉપયોગ કરે છે. હાલ અહીં આવેલા સાદડા વિસ્તારમાં એક સાથે 300 ઉપરાંત વાંસને ફ્લાવરિંગ આવ્યા બાદ સૂકાઈ જતાં સૌને અચરજ લાગ્યું હતું. પરંતુ હકીકત કઈ અલગ જ સામે આવી. જાંબુઘોડાના અભ્યારણ્યમાં વાંસ સૂકાઈ જવાની બાબત એ એક કુદરતી પ્રક્રિયા છે એમ વન વિભાગે સ્પષ્ટતા કરી હતી.

વન વિભાગના જણાવ્યા અનુસાર, વાંસની ચારથી વધુ પ્રજાતિઓ છે, જેનું આયુષ્ય અલગ અલગ હોય છે. અહીંના જંગલમાં આવેલી પ્રજાતિના વાંસ 40 વર્ષનું આયુષ્ય ધરાવતા વાંસ છે. જે હાલ સૂકાઈ ગયા છે. આ જંગલમાં આવેલ વાંસ આજથી અંદાજિત 40 વર્ષ અગાઉ એક સાથે ઉછરેલા હશે. જેથી તેને ફ્લાવરિંગ પણ એક સાથે થયું અને સુકાઈ પણ એક સાથે જ ગયા છે.

કુદરતની કલા પણ ન્યારી છે. એકબાજુ જાંબુઘોડાના આખા જંગલમાં વાંસના ઝુંડ સૂકાઈ ગયા છે, ત્યારે જે વાંસ સૂકાઈ ગયા છે, જેના બી નીચે પડવાથી લાખોની સંખ્યામાં નવા છોડ કુદરતી રીતે જ ઉગી નીકળ્યા છે. એટલે થોડા જ વર્ષોમાં આ છોડ ફરી પાછા જંગલોને લીલાછમ બનાવી દેશે. આ અંગે વન વિભાગ ખાસ કાળજી રાખી રહ્યું છે. વનવિભાગ દ્વારા આ વાંસની આજુબાજુ અગાઉથી જ પ્લાન્ટેશન કરી નવા છોડવા રોપી દેવાયા છે. જેની માવજત કરવામાં આવશે. વનવિભાગ જોગવાઈ મુજબ હાલ આ સુકાઈ ગયેલા વાંસને કાપી શકાય નહિ. જેથી સૂકાઈ ગયેલા વાંસ વન્ય જીવ જંતુ ખાઈ જવાથી સમયાંતરે નાશ પામશે.

(5:22 pm IST)