Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

દેશભરમાં ચોમાસાની હલચલ શુક્રવારે ગુજરાતના ઉત્તર- પૂર્વ ભાગો- કચ્છમાં ભારે વરસાદ પડશે

આગામી ૭ થી ૧૦ દિવસ મધ્ય ભારતમાં વરસાદી એકટીવીટી જોવા મળશેઃ સ્કાયમેટ : મુંબઈ,ગોવા, કેરળમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશેઃ ૮ થી ૧૦ ઓગષ્ટ દરમ્યાન દિલ્હી એનસીઆર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ- કાશ્મીરમાં આગાહી

નવી દિલ્હીઃ દેશભરમાં નેઋત્યનું ચોમાસુ ફરી સક્રિય બન્યું છે. આગામી એક સપ્તાહ કે ૧૦ દિવસ સુધી ગુજરાત સહિત મધ્ય ભારતમાં વરસાદી એકટીવીટી જોવા મળશે. આગામી શુક્રવારે ગુજરાતના ઉત્તર- પૂર્વના ભાગો અને કચ્છમાં સારા વરસાદની આગાહી વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે.

દેશના તમામ રાજયોમાં હાલમાં નેઋત્યનું ચોમાસુ નબળુ છે. ઉત્તર- પશ્ચિમ ભારત, દક્ષિણ અને પૂર્વોતર રાજયમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

હાલમાં બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ થયું છે. જે મધ્ય ભારતના ભાગોમાં પહોંચ્યુ છે. આ સિસ્ટમ્સ આગળ વધીને ગુજરાત ઉપર આવશે. જેની અસરથી મધ્ય ભારતના તમામ રાજયો ઓડીસ્સાથી છતિસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનમાં ચોમાસુ સક્રિય રહેશે. આજે આવતીકાલે અને શુક્રવારે વરસાદી એકટીવીટીમાં વધારો જોવા મળશે. ગુજરાતના પૂર્વના ભાગો ખાસ કરીને ઉત્તર- પૂર્વ ક્ષેત્રમાં અને કચ્છમાં તા.૭ના ભારે વરસાદની શકયતા છે.

આ સિવાય મુંબઈ સહિતના ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે અને વરસાદ ચાલુ રહેશે. આ સિવાય દક્ષિણ ભારતમાં પશ્ચિમ ક્ષેત્રે ચોમાસુ સક્રિય રહેશે. કેરળ, ગોવામાં પણ ભારે વરસાદ પડી શકે છે.

મધ્ય ભારતમાં વરસાદમાં જે ઘટાડો આવ્યો છે જે હવે આ સિસ્ટમ્સની અસરથી વરસાદની ખાદ્ય પૂરી કરી દેશે આ સિવાય ૭મીએ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ્સ બનશે જે મધ્ય ભારતમાં ગતિ કરશે. જેની અસરથી મધ્ય ભારતમાં આગલા સપ્તાહ કે ૧૦ દિવસ સુધી ચોમાસુ સક્રિય રહેશે. વાદળો છવાયેલા રહેશે, તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

પૂર્વોતર ભારતના રાજયોમાં જુલાઈમાં વ્યાપક વરસાદ પડી ગયો. બિહાર, આસામ, મેઘાલય, સિકિકમ, હિમાલય, પશ્ચિમ બંગાળમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. હવે પુર જેવા સંજોગો નથી. વાતાવરણ ચોખ્ખુ રહેશે. હળવા વરસાદની સંભાવના છે. ઉત્તર ભારતમાં પશ્ચિમી- ઉત્તરપ્રદેશથી હરિયાણા, પંજાબ, દિલ્હી, એનસીઆર, જમ્મુ- કાશ્મીર, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડમાં ચોમાસુ સક્રિય રહેશે નહી. પરંતુ પશ્ચિમ યુ.પી., ઉત્તરાખંડમાં અમુક જગ્યાએ વરસાદની શકયતા છે. તા.૮થી ચોમાસુ ફરી મહેરબાન બનશે. પશ્ચિમ યુ.પી.માં આગ્રાથી અલીગઢ, સહરાંગપુર, મેરઠ, મુરાદાબાદ સુધી વરસાદની સંભાવના છે. દિલ્હી એનસીઆર, પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ, જમ્મુ- કાશ્મીરમાં પણ ૮ થી ૧૦ ઓગષ્ટ વરસાદ પડી શકે છે.

(1:02 pm IST)